Get The App

લિંક્ડઇન પર એઆઈના ઉલ્લેખ વધ્યા, પણ ઉપયોગ હજી ઓછો

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
લિંક્ડઇન પર એઆઈના ઉલ્લેખ વધ્યા, પણ ઉપયોગ હજી ઓછો 1 - image


મેટા કંપનીએ લાંબા સમયથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે પ્લેટફોર્મ પર મેટા એઆઇ સર્વિસ ઉમેરી દીધી છે. આપણે જ્યારે મન થાય ત્યારે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતી વખતે મેટા એઆઇને કંઈ પણ પૂછી શકીએ અને તેની પાસે જ કન્ટેન્ટ જનરેટ કરાવીને આ પ્લેટફોર્મ્સ પર શેર કરી શકીએ.

લિંક્ડઇન પર પણ આવી સગવડ છે. પરંતુ હમણાં લિંક્ડઇનના સીઇઓએ પોતે કબૂલ્યું કે લિંક્ડઇનના યૂઝર્સ આ સગવડનો બહુ લાભ લેતા નથી. હમણાં એક મીડિયા સાઇટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ સર્વિસ તેમની અપેક્ષા મુજબ પોપ્યુલર થઈ નથી.

તેમણે તેનું કારણ આપતાં જણાવ્યું કે એઆઇથી કન્ટેન્ટ જનરેશન ઘણું સહેલું બન્યું હોવા છતાં લખાણ વ્યક્તિએ પોતે લખ્યું ન હોય ને એઆઇ પાસે લખાવ્યું હોય તો તે સહેલાઈથી પરખાઈ આવે છે. લિંક્ડઇન પ્રોફેશનલ્સ માટેનું નેટવર્ક છે અને તે આપણો ઓનલાઇન રેઝ્યૂમે ગણાય છે. આપણે કોઈ કંપનીમાં જોબ માટે એપ્લાય કર્યું હોય તો આપણી લિંક્ડઇન પરની એક્ટિવિટી ખાસ તપાસવામાં આવે છે. તેમાં એઆઇ જનરેટેડ કન્ટેન્ટ શેર થતું હોવાનું ધ્યાનમાં આવે તો એ વાત આપણી વિરુદ્ધ જઈ શકે છે. એટલે જ લિંક્ડઇન પર લોકો એઆઇ જનરેટેડ કન્ટેન્ટ શેર કરવાનું ટાળે છે!

કંપનીના સીઇઓએ કહ્યું કે તમે એક્સ કે ટિકટોક જેવા પ્લેટફોર્મ પર કંઈ પણ શેર કરો તે ચાલી જાય, પરંતુ લિંક્ડઇન પર વાત અલગ છે.

જોકે લિંક્ડઇન પર એઆઇની હાજરી અન્ય રીતે ઘણી વર્તાઈ રહી છે.લિંક્ડઇન પર અગાઉ જેટલા યૂઝર્સ તેમના પ્રોફાઇલમાં એઆઇ સ્કિલ્સનો ઉલ્લેખ કરતા હતા, તેના કરતાં પાછલા એક જ વર્ષમાં વીસ ગણા યૂઝર્સ તેમના પ્રોફાઇલમાં એઆઇ આવડતું હોવાનો ઉલ્લેખ કરવા લાગ્યા છે. એ જ રીતે જોબ માટે કેન્ડિડેટ સર્ચ કરવાની વાત આવે ત્યારે પણ હવે છ ગણા વધુ પ્રમાણમાં જોબ માટે એઆઇ રિલેટેડ સ્કિલ્સ જરૂરી છે એવો ઉલ્લેખ કંપનીઓ તરફથી કરવામાં આવે છે.

અચ્છા, લિંક્ડઇનના સીઇઓ પોતે એઆઇનો ઉપયોગ કરે છે? એમણે વાત વાતમાં હળવાશથી કહ્યું કે તેઓ પોતે લિંક્ડઇનની માલિક કંપની માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાને કોઈ મેઇલ મોકલી રહ્યા હોય ત્યારે તે બધી રીતે બરાબર છે તેની ખાતરી કરવા માટે કો-પાયલોટ બટનનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી!

Tags :