આ શું માંડ્યું છે? AI મહાભારતમાં મોર્ડન ફર્નિચરવાળો 'હસ્તિનાપુરનો મહેલ' જોઈ યુઝર્સ ભડક્યા, શોના મેકર્સ ટ્રોલ

AI Blunder in Mahabharat: ભારતમાં માઇથોલોજીને લઈને ઘણાં શો ખૂબ જ લોકપ્રિય રહ્યાં છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા શો લોકોને ઘણાં પસંદ છે. આ શો ઘણી વાર બન્યા છે, પરંતુ એમ છતાં એના પરથી નવા-નવા શો બનતાં રહે છે. થોડા સમય પહેલાં એનિમેશન ‘ધ લેજન્ડ ઓફ હનુમાન’ આવી હતી જેને પણ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. હવે AIનો જમાનો છે ત્યારે હવે ‘મહાભારત’ને AI દ્વારા બનાવવામાં આવી રહી છે. હાલમાં જિયોહોટસ્ટાર પર જે ‘મહાભારત - એક ધર્મયુદ્ધ’ આવી રહી છે એને સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી છે એમાં એક-એક પાત્ર AI દ્વારા જનરેટ કરવામાં આવ્યાં છે. આ શોમાં એક દૃશ્યમાં બ્લંડર કરવામાં આવતાં ટ્રોલર્સ મેકર્સની પાછળ પડ્યાં છે.
શું થયું બ્લંડર?
આ શોમાં દરેક વસ્તુ AI દ્વારા બનાવવામાં આવી છે. કોઈ પાત્ર, કોઈ શૂટિંગ, કંઈ જ સાચું નથી — બધું કોમ્પ્યુટર જનરેટેડ છે. આ શોને રિલીઝ કરવામાં આવતાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ શોના મેકર્સની પાછળ પડી ગયા છે. આ પાછળનું કારણ એક દૃશ્ય છે. શોની સ્ટોરી હસ્તિનાપુરથી શરૂ થાય છે. હસ્તિનાપુરના એક દૃશ્યમાં મહેલની અંદરનું ફર્નિચર આજના જમાનાનું દેખાડવામાં આવી રહ્યું છે. આ મોર્ડન ફર્નિચરને કારણે શોને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
25 ઓક્ટોબરે પહેલો એપિસોડ રિલીઝ થયો હતો. શોની સ્ટોરી પ્રિન્સ દેવવ્રતના જન્મ પર હાલમાં ફોકસ કરી રહી છે. પ્રિન્સ દેવવ્રતને પાછળથી ભીષ્મ પિતામહના નામથી ઓળખવામાં આવે છે. આ દૃશ્યમાં દેખાડવામાં આવી રહ્યું છે કે ગંગામાતા એક નવજાત શિશુ સાથે હસ્તિનાપુરના મહેલના એક રૂમમાં છે. આ રૂમમાં બેડની બાજુમાં એક ડેસ્ક છે. આ ડેસ્કની અંદર એક ખાનું એટલે કે ડ્રોઅર પણ છે. એની ડિઝાઇન અને એ જમાનામાં પણ ડ્રોઅર હોવાનું દેખાડતા લોકો આ શોને ટ્રોલ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર છે ટ્રેન્ડમાં
થોડી સેકન્ડનું આ દૃશ્ય છે ને લોકો દ્વારા તરત જ પકડી પાડવામાં આવ્યું હતું. એનો સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયા પર એનો વાયરલ કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ દૃશ્યમાં બસ હવે એક વાયરલેસ ચાર્જરની જરૂર છે. અન્ય વ્યક્તિએ કહ્યું કે બેડની બાજુનું ટેબલ જોઈને મારી હસી અટકી નથી રહી. એક વ્યક્તિએ કહ્યું કે એક દૃશ્ય એવું હતું જેમાં દીવાલ પર લટકેલા ફોટો પર વ્યક્તિએ એમાં શૂટ પહેર્યું હતું.
યૂઝર્સે ચલાવ્યો સવાલનો મારો
આ બધી નાની-નાની ભૂલોને લઈને સોશિયલ મીડિયામાં એ ટ્રેન્ડમાં છે. તેમજ યૂઝર્સ હવે આ શોના બજેટને લઈને પણ સવાલ કરી રહ્યાં છે. કેટલાક તો એમ કહી રહ્યાં છે કે આ શો એક મજાક છે અને એને મસ્તી માટે જોઈ શકાય છે. કેટલાક એમ પણ કહી રહ્યાં છે કે મહાભારતના આઇકોનિક પાત્રોને AIના રૂપમાં જોઈને દુઃખ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: એપલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS 26.1 આજે રિલીઝ થશે, જાણો નવા ફીચર્સ…
આ શોના હજી તો બે જ એપિસોડ ઓનએર થયા છે. એટલામાં જ શો પર એને મિક્સ રિએક્શન મળી રહ્યાં છે. એક તરફ ફિલ્મમેકિંગમાં AIનો ઉપયોગ ન કરવા માટે વાતો થઈ રહી છે. બીજી તરફ કેટલાક એમ પણ કહી રહ્યાં છે કે મેકર્સ દ્વારા મહાભારતને AI વર્ઝનમાં બનાવીને ખૂબ જ મોટું એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું છે. જોકે આ શોના થોડા વધુ એપિસોડ આવ્યા બાદ ખબર પડશે કે AI બનાવવું ફાયદાકારક હતું કે નહીં.

