યુટ્યૂબમાં પણ એઆઈ ફીચર્સ
તમે નોંધ્યું હશે કે પાછલા થોડા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની
ગાજવીજ શરૂ થઈ ત્યારથી આપણો ગૂગલિંગનો
અનુભવ પણ ઘણો બદલાવા લાગ્યો છે. અગાઉ ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવું હોય તો આપણો
લગભગ એક માત્ર આધાર ગૂગલનું સર્ચ એન્જિન હતું. હવે એવું રહ્યું નથી. હવે આપણે એઆઇ
ચેટબોટ સાથે વાતચીત કરીને પણ સર્ચ કરવા લાગ્યા છીએ. એ જ રીતે ગૂગલ સર્ચ એન્જિનમાં
પણ પહેલાં એઆઇ ઓવરવ્યૂ ઉમેરાયા અને પછી હમણાં હમણાં એઆઇ મોડ પણ આવી ગયો. હવે આ એઆઇ
આધારિત ફેરફાર યુટ્યૂબમાં પણ આવી પહોંચ્યા છે.
આ ફીચરને કારણે જ્યારે યુટ્યૂબના પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સ યુટ્યૂબ પર કોઈ પણ
વીડિયો સર્ચ કરવા સર્ચ બોક્સમાં પોતાનો સવાલ કે કીવર્ડ્સ લખશે ત્યારે યુટ્યૂબમાંની
નવી એઆઇ સિસ્ટમ તેનાં રિઝલ્ટ્સ તૈયાર કરશે અને ક્વેરીને અનુરૂપ વીડિયોનું કલેકશન
સ્વરૂપે બતાવવામાં આવશે.
આ કલેક્શનમાં જે વીડિયો બતાવવામાં આવશે તેમાં આપણી ક્વેરીને સૌથી વધુ સંબંધિત
હોય તેવો વીડિયોનો ભાગ બતાવવામાં આવશે! અત્યારે ગૂગલ સર્ચ પર પણ કંઈક આવું જ થઈ
રહ્યું છે. આ કારણે આપણે આખો વીડિયો પ્લે કરીને તેમાં આપણે માટે મહત્ત્વનો ભાગ
શોધવા જવું પડશે નહીં. હાલમાં આ ફીચર ફક્ત પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સ પૂરતું અને
તેમાં પણ ફક્ત મોબાઇલ એપ અને ઇંગ્લિશ લેંગ્વેજના વીડિયો પૂરતું મર્યાદિત છે.
યુટ્યૂબમાં આગળ જતાં આ ફીચરનો સ્કોપ વિસ્તારવામાં આવશે એ નક્કી છે.
આપણે યુટ્યૂબના પ્રીમિયમ સબસ્ક્રાઇબર ન હોઇએ તો પણ યુટ્યૂબમાં ઉમેરાયેલા
કેટલાંક નવા એઆઇ ફીચર્સનો લાભ લઈ શકીશું.
જેમ કે યુટ્યૂબમાં થોડા સમયથી કન્વર્સેશનલ એઆઇ ટૂલ ઉમેરાયું છે, જેની મદદથી આપણે એઆઇ ચેટબોટને
કોઈ ચોક્કસ વીડિયો વિશે પ્રશ્નો પૂછી શકીએ છીએ તથા એ જ પ્રકારના વધુ વીડિયો બતાવવા
કહી શકીએ છીએ. આ ટૂલ પણ અગાઉ માત્ર પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સને મળતું હતું, હવે તે તમામ યૂઝર્સને ઉપલબ્ધ થવા લાગ્યું છે.
યુટ્યૂબમાં બીજો પણ એક મહત્ત્વનો ફેરફાર છે - યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ
કરવાની ઉંમર મર્યાદા હવે વધારીને ૧૬ વર્ષ કરવામાં આવી છે. જુલાઈ ૨૨, ૨૦૨૫થી, એથી ૧૬ વર્ષથી નાનાં બાળકો
યુટ્યૂબ પર લાઇવ થઈ શકશે નહીં.