આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી લગભગ તમામ પ્રકારની સર્વિસ અને એપમાં એઆઇ સર્વિસ
ઇન્ટિગ્રેટ થઈ ગઈ છે. આપણા ઇમેઇલ એકાઉન્ટ,
ઓફિસ પ્રોગ્રામ્સ, સોશિયલ મીડિયા સાઇટ્સ, મેપ્સ એપ્સ, બ્રાઉઝર્સ, શોપિંગ પ્લેટફોર્મ વગેરે
બધાંનો આપણે જૂની અને જાણીતી,પરંપરાગત રીતે ઉપયોગ કરી શકીએ
અથવા ઇચ્છીએ તો તેમાં કોઈ ને કોઈ રીતે એઆઇનો ઉપયોગ કરી શકાય છે.
જોકે આપણી કારમાંની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમમાં હજી એઆઇને સીધી એન્ટ્રી મળી
નહોતી. તમારી કારમાં આવી સગવડ હોય તો તમે તેમાં એન્ડ્રોઇડ ઓટો કે એપલકાર પ્લેનો
ભરપૂર ઉપયોગ કરતા હશો. આપણે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે આઇફોનને યુએસબી કેબલથી
કે વાયરલેસ રીતે કારની સિસ્ટમ સાથે કનેક્ટ કરીએ એ પછી કારના સ્ક્રીન પર
સ્માર્ટફોનમાંની વિવિધ એપ્સનો ઉપયોગ કરી શકાય. પરંતુ અત્યાર સુધી એન્ડ્રોઇડ ઓટો કે
એપલ કાર પ્લેમાં એઆઇ સર્વિસ સીધેસીધી ઉમેરાઈ નહોતી. જોકે એન્ડ્રોઇડ ઓટો મારફત ગૂગલ
મેપ્સમાં આસ્ક મેપ્સ એઆઇ આવી ગઈ છે ખરી. તેમાં નેવિગેશન કે મેસેજની સમરી મેળવવા માટે જેમિનાઇનો
ઉપયોગ કરી શકાય છે.
એ ઉપરાંત હવે એપલ કારપ્લે પ્લેટફોર્મમાં ચેટજીપીટી એઆઇ એપનો ઉપયોગ શક્ય બન્યો
છે. હવે આપણે કારપ્લેમાં ચેટજીપીટી એપ ડાઉનલોડ કરી શકીશું અને તેનો કારના સ્ક્રીન
પર ઉપયોગ કરી શકીશું.
કારપ્લે અને ચેટજીપીટી બંનેમાં વોઇસ
કમાન્ડ મહત્ત્વની ભૂમિકા છે. આથી કારપ્લેમાં ચેટજીપીટી એક્ટિવેટ કર્યા પછી આપણે
હાથનો ઉપયોગ કર્યા વિના વોઇસ કમાન્ડથી ચેટજીપીટી સાથે ઇન્ટરએક્ટ કરી શકીશું.
હજી હમણાં જ એપલે આઇઓએસનું લેટેસ્ટ વર્ઝન રીલિઝ કર્યા પછી તેમાં થર્ડ પાર્ટી વોઇસ બેઝડ કન્વર્સેશનલ એપ્સને એન્ટ્રી આપવામાં આવી છે. આ
જ કારણે કારપ્લેમાં ચેટજીપીટીનું ઇન્ટિગ્રેશન શક્ય બન્યું છે. જોકે વાહન ચાલક અને
અન્ય મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને કારપ્લેમાં ચેટજીપીટી કે ભવિષ્યની કોઈ પણ
એઆઇ એપ્સનો ઉપયોગ ફક્ત વોઇસ કમાન્ડથી થઈ શકશે.
ફોનમાં આપણે ચેટજીપીટી સાથે વોઇસ કમાન્ડથી વાતચીત કરીએ તો આપણા સવાલો અને એઆઇના
જવાબો સ્ક્રીન પર ટેકસ્ટ સ્વરૂપે પણ ટાઇપ થતા જાય છે. તેવું કારપ્લેમાં થશે નહીં.
તેમાં બધી વાતચીત ફક્ત વોઇસ મોડમાં જ થશે.
એન્ડ્રાઇડ ઓટોમાં ચેટજીપીટી આવશે કે નહીં અને આવશે તો ક્યારે આવશે એ વિશે હજી
કોઈ સ્પષ્ટતા નથી.


