ભારતમા તમામ નાગરિકોને આધાર ઓળખ આપવાનું કામ સંભાળતી યુનિક આઇડેન્ટિફઇકેશન
ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) એ આપણી એક ખાસ મુશ્કેલી હળવી કરવા માટે ગૂગલ સાથે
હાથ મિલાવ્યા છે. આપણા સૌ પાસે આધારકાર્ડ આવી ગયાં છે પરંતુ ઘણા લોકોને તેમાં જુદા
જુદા ફેરફારો કરવાની જરૂર ઊભી થતી હોય છે. એ કામ ઓનલાઇન પતે તેવું ન હોય તો માટે
આપણે આપણી આસપાસ કોઈ અધિકૃત આધાર કેન્દ્ર શોધીને ત્યાં રૂબરૂ જવું પડે છે.
આમ જુઓ તો આપણે ગૂગલ પર સર્ચ કરીને નજીકનું આધાર કેન્દ્ર શોધી શકીએ. પરંતુ
તેમાંની વિગતો કે સરનામું સાચું જ હોવાનું ખાતરી હોતી નથી.
હવે આવી ખાતરી મળશે.
યુઆઇડીએઆઇ અને ગૂગલ મેપ્સ વચ્ચેના જોડાણને કારણે હવે દેશભરના ૬૦,૦૦૦ જેટલાં આધાર કેન્દ્રનાં લોકેશન ગૂગલ મેપ્સ પર જોવા મળશે. આ કેન્દ્રોમાં
રેગ્યુલર આધાર સેન્ટર તથા વધુ આધુનિક સુવિધાઓ સાથેનાં એડવાન્સ્ડ આધાર સેવા
કેન્દ્રો પણ આવરી લેવામાં આવશે.
આ જોડાણને પગલે આગામી મહિનાઓમાં આપણે ગૂગલ મેપ્સ પર નજીકનું આધાર કેન્દ્ર
ખાતરીબદ્ધ રીતે શોધી શકીશું. ગૂગલ મેપ્સમાં માત્ર વેરિફાઇડ અને ઓથોરાઇઝ્ડ આધાર
કેન્દ્ર જોવા મળશે. અહીં જઇને આપણે વયસ્ક કે બાળક માટેનું નવું આધાર કાર્ડ બનાવવું
કે એડ્રેસ તથા મોબાઇલ નંબરમાં સુધારા જેવી સુવિધાઓનો લાભ લઈ શકીશું. ગૂગલ મેપ્સમાં
દરેક આધાર કેન્દ્રના કામકાજના કલાકો જોઈ શકાશે તેમ જ જે તે કેન્દ્રમાં દિવ્યાંગો
માટે ખાસ સુવિધાઓ તથા પાર્કિંગની સુવિધા છે કે નહીં તે પણ જાણી શકાશે.
આપણા દેશમાં આધાર ઓળખ ઘણી બધી રીતે ઉપયોગી હોવાને કારણે તેના સંબંધિત
ગેરમાહિતી ફેલાવતી એપ્સ કે બનાવટી આધાર કેન્દ્રોનો પણ રાફડો ફાટ્યો છે. એ
સ્થિતિમાં ગૂગલ મેપ્સ પર સત્તાવાર લિસ્ટિંગ આપણી સુવિધા વધારશે એવી આશા રાખી શકાય.
યુઆઇડીએઆઇ દરેક અધિકૃત આધાર કેન્દ્ર માટે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ સર્વિસનો ઉપયોગ
કરશે. તેમાં જે તે કેન્દ્ર વિશે વધુ માહિતી ઉમેરવામાં આવશે તથા તેમાં લોકો દ્વારા
પૂછાતા પ્રશ્નોના અધિકૃત રીતે જવાબો આપવામાં આવશે. આગળ જતાં ગૂગલ મેપ્સ પર નજીકનું
આધાર કેન્દ્ર શોધીને ત્યાં આપણું કામ કરાવવા માટે મેપ્સમાંથી જ એપોઇન્ટમેન્ટ બુક
કરી શકીએ એવી સુવિધા પણ મળવાની શક્યતા છે.


