Science & Technology

ડિજિટલ ફ્રોડથી બચવા એફડીને વધારાનું તાળું મારવાની સુવિધા

By GS TEAM
20 Aug 20252 mins read
ડિજિટલ ફ્રોડથી બચવા એફડીને વધારાનું તાળું મારવાની સુવિધા

ઇન્ટરનેટ પર ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા ફ્રોડમાં આપણે અવારનવાર વાંચીએ છીએ કે અમુક તમુક વ્યક્તિને બે-ચાર દિવસ કે અઠવાડિયાંઓ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાઓ લાખો-કરોડો રૂપિયા સેરવી ગયા. દેખીતું છે કે આવા સમાચાર વાંચીને આપણને સવાલ થાય કે આપણા બેંક ખાતાનું બેલેન્સ હજારોમાં રાખવામાં પણ આપણને ફાંફાં પડે છે, તો શું ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા લોકો એમના બેંક ખાતામાં લાખો-કરોડો રૂપિયા મૂકી રાખતા હશે?

વ્યક્તિ ખરેખર ખમતીધર હોય તો ખાતામાં એટલી મોટી રકમ હોઈ શકે, પરંતુ ઘણા ખરા કિસ્સામાં એવું બને છે કે ડિજિટલ એરેસ્ટનું નિશાન બનતા લોકો કેટલા સધ્ધર છે અને તેમનું કેટકેટલી જગ્યાએ રોકાણ છે તેનો વિગતવાર અભ્યાસ કરી લેવામાં આવ્યો હોય છે. ડિજિટલ એરેસ્ટ દરમિયાન પણ સ્કેમસ્ટર્સ આવા લોકોને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી ફિક્સ ડિપોઝિટ કે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેમાં રોકાણ સંબંધિત વધુ માહિતી મેળવે છે. એ પછી એ બધું રોકાણ પહેલાં ટાર્ગેટના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને પછી સ્કેમસ્ટર્સ તેને પોતાના ખાતામાં ધરાર ટ્રાન્સફર કરાવે છે.

આ કારણે હવે ભારતની વિવિધ બેંક નવી રીતે થતા ફ્રોડ સામે આપણને રક્ષણ આપવા નવી રીતો અજમાવી રહી છે. જેમ કે હમણાં એક્સિસ બેંકે ‘લોક એફડી’ નામે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. તેનો લાભ લઇને, જો આપણી  એક્સિસ બેંકમાં કોઈ ફિક્સ્ડ ડિપોઝિટ હોય તો આપણે પોતાની એક્સિસ બેંકની મોબાઇલ એપમાં અમુક પગલાં લઇને અથવા બેંકની નજીકની શાખામાં રૂબરૂ જઇને પોતાની એફડીને વધારાનું લોક લગાવી શકીએ છીએ. આ રીતે જે એફડીને લોક કરવામાં આવે તેને એ પછી કોઈ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી એટલે કે નેટબેંકિંગ કે મોબાઇલ એપનો ઉપયોગ કરીને બંધ કરી શકાતી નથી. આપણે ફરજિયાતપણે બેંકની શાખામાં રૂબરૂ જઇને જ એફડીને બંધ કરી તેની રકમ પોતાના બચત ખાતામાં ટ્રાન્સફર કરાવી શકીએ.

આમ કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટ થાય તો પણ તેની એફડીની રકમ સીધેસીધી જોખમમાં મુકાતી નથી કેમ કે ઠગ ટોળકીના કહેવા પર તેઓ નેટબેંકિંગ કે મોબાઇલ એપની મદદથી એફડીની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકતા નથી.

એક રીતે જુઓ તો એફડી આ રીતે લોક કરવાથી આપણી અગવડતા વધે કેમ કે એ પછી આપણે બે-ત્રણ ક્લિકમાં એફડી રીડિમ કરી શકીએ નહીં. પરંતુ તેની સામે નાણાંની સલામતી ચોક્કસપણે વધે છે.