આધાર નંબર સાચો છે કે ખોટો તે માત્ર બે મિનિટમાં જાણી શકાય છે
- જાણો, કેવી રીતે કરી શકાય છે આધાર નંબરની ચકાસણી?
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2020, મંગળવાર
આજના સમયમાં આધાર કાર્ડની જરૂર કોને નથી પડતી. તમારે બેન્કમાં એકાઉન્ટ ખોલાવવું હોય, કે નવું સિમ કાર્ડ લેવું હોય કે પછી ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું હોય, આધાર કાર્ડના રહેવાથી તમને ઘણી બધી સગવડતા મળી રહે છે. આ જ કારણે છે કે જો તમે કોઇ વ્યક્તિને પોતાના ઘરમાં ભાડૂત રાખવા માંગો છો અથવા તો પોતાની દુકાન ભાડે આપવાનું વિચારી રહ્યા છો તો તમે પોતાના ભાડૂત પાસેથી આધાર કાર્ડ માંગો છો કારણ કે આધાર નંબર બાયોમેટ્રિક ટેડા પર આધારિત હોય છે અને કોઇ પણ વ્યક્તિ ફરીથી આધાર કાર્ડ બનાવી શકતો નથી.
જો કે, છેતરપિંડી કરતાં લોકો ઘણીવાર કાર્ડ નંબરમાં ફેરફાર કરીને નવું પ્લાસ્ટિક કાર્ડ બનાવી લેતાં હોય છે. એવામાં તમારે કોઇ પણ વ્યક્તિનું આધાર કાર્ડ સ્વીકાર કરતાં પહેલાં તે તપાસ કરી લેવી જોઇએ કે તેના દ્વારા આપવામાં આવેલ આધાર નંબર સાચું છે કે નહીં.
જો તમે આધાર નંબરને સ્વીકાર કરતાં પહેલા તેની વાસ્તવિકતાની ચકાસણી કરી લેશો તો ભવિષ્યમાં જરૂર પડવા પર તમે તે વ્યક્તિને ટ્રેસ કરી શકશો. આધાર કાર્ડ જાહેર કરનાર સંગઠન ભારતીય વિશિષ્ય ઓળખ ઓથોરિટી (UIDAI) આધાર નંબરની સાથે સાથે કોઇ વ્યક્તિના આધારની સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેલ આઇડીના ચકાસણીની સુવિધા આપે છે. તેના સાથે સંકળાયેલી પ્રક્રિયા ઘણી સરળ છે.
જાણો, કેવી રીતે કરી શકાય છે આધાર નંબરની ચકાસણી
- સૌથી પહેલાં UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર લોગ ઓન કરો.
- વેબસાઇટ પર તમને 'My Aadhaar'નું ટેબ જોવા મળશે.
- તેમાં તમારે 'Aadhaar services' પર ધ્યાન આપવાનું છે.
- જ્યાં તમને 'Verify an Aadhaar Number'નો વિકલ્પ જોવા મળશે.
- 'Verify an Aadhaar Number' પર ક્લિક કરો.
- અહીં 12 અંકના આધાર નંબર સાથે કેપ્ચા કોડ નાંખો અને ત્યારબાદ 'Proceed to Verify' પર ક્લિક કરો.
જો વ્યક્તિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ આધાર નંબર સાચો હશે તો તમને તે વ્યક્તિની ઉંમર, લિંગ, રાજ્ય અને મોબાઇલ નંબરના છેલ્લા ત્રણ આંકડા સામે આવી જશે. તમે આ ડેટાની સરખામણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડના ડેટા સાથે કરી શકો છો.