mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એક યૂઝરને એન્ડ્રોઈડની એપ વિશે જિજ્ઞાસા થઈ અને....

Updated: Apr 3rd, 2024

એક યૂઝરને એન્ડ્રોઈડની એપ વિશે જિજ્ઞાસા થઈ અને.... 1 - image


તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરતા હશો તો વારંવાર તમે જુદી જુદી એપ અનઇન્સ્ટોલ પણ કરતા હશો.

આ કામ બે રીતે થઈ શકે. એપ ડ્રોઅરમાં જે તે એપ્સના આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરતાં એ એપને અનઇન્સ્ટોલ કરવાનો આપણને વિકલ્પ મળે. બીજો રસ્તો ફોનના સેટિંગ્સમાં જઇને એપ્સના પેજ પર પહોંચી, જે તે એપનું પેજ ઓપન કરીને ત્યાંથી તેને અનઇન્સ્ટોલ કરવાનો છે.

હજી હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી હતી તેમ અમુક એપને આપણે ફોનમાંથી અનઇન્સ્ટોલ કરી શકતા નથી. આવી એપ કાં તો સ્માર્ટફોનના સ્મૂધ ઓપરેશન માટે જરૂરી હોય અથવા ફોન મેન્યુફેકચરિંગ કંપનીએ તેને ફોનમાં ધરાર સામેલ કરી હોય અને તે આવી એપને દૂર કરવાની સગવડ ન આપવા માગતી હોય.

પરંતુ હમણાં ફોનના એક યૂઝરને જુદો અનુભવ થયો. આ અનુભવ તેને ભારે પણ પડ્યો!

થયું એવું કે એ ભાઈ પોતાના ફોનમાંની જુદી જુદી એપ્સ તપાસતા હતા ત્યાં તેને ‘એન્ડ્રોઇડ સિસ્ટમ’ એપ પણ દેખાઈ. મોટા ભાગની સ્માર્ટફોન મેન્યુફેકચરિંગ કંપની એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમમાં પોતાની રીતે ફેરફાર કરતી હોય છે અને આપણે ફોનના સંચાલનમાં માટે મહત્ત્વપૂર્ણ એપ્સ સાથે ભૂલથી કોઈ છેડછાડ ન કરીએ તે માટે બાય ડિફોલ્ટ આવી એપને આપણી નજરથી દૂર રાખતી હોય છે. પરંતુ ફોનના સેટિંગ્સમાં આપણે વિવિધ એપ્સના પેજ સુધી પહોંચીએ તો ત્યાં એપના લિસ્ટને ફિલ્ટર અને સોર્ટ કરવાના વિકલ્પોમાં સિસ્ટમ એપ્સ પણ શો કરવાનો વિકલ્પ ઓન કરી શકાતો હોય છે.

આવી સિસ્ટમ એપ્સમાં કોઈ પણ ફેરફાર કરવો જોખમી બની શકે છે. સામાન્ય રીતે સિસ્ટમ માટે અનિવાર્ય એપ્સ અનઇન્સ્ટોલ કરી શકાતી નથી કે ડિસેબલ પણ કરી શકાતી નથી. પરંતુ પેલા યૂઝરને એન્ડ્રોઇડ સિસ્ટમ એપ અનઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ દેખાયો (જે નોર્મલી  ગ્રેઆઉટ હોય એટલે કે આપણે તેને ક્લિક કરી શકીએ નહીં). પેલા યૂઝરના મનમાં ઉત્સુકતા જાગી. એણે ‘અનઇન્સ્ટોલ’ બટન પર ક્લિક કર્યું એ સાથે એન્ડ્રોઇડ સિસ્ટમ એપ અનઇન્સ્ટોલ થઈ અને ફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ બંધ થતાં ફોન તદ્દન નકામો બની ગયો!

તેણે પોતાનો અનુભવ એક્સ પ્લેટફોર્મ પર શેર કરતાં અન્ય યૂઝર્સે લખ્યું કે  આવું સંભવ જ નથી. ઓપરેટિંગ માટે મહત્ત્વની એપ અનઇન્સ્ટોલ થઈ ન શકે.

જોકે એ ફોન મેન્યુફેકચર કરનારી શાયોમી કંપનીએ એક્સ પ્લેટફોર્મ પર પેલા યૂઝરનો સંપર્ક કર્યો. કંપનીએ ફોનના આઇએમઇઆઇ નંબર તથા સિરિયલ નંબરને આધારે તપાસ કરીને કંપનીએ કહ્યું કે એ યૂઝરના હાથમાં ભૂલથી હજી જેનું ટેસ્ટિંગ કે ડેવલપમેન્ટ ચાલતું હોય એવો ફોન પહોંચી ગયો છે! કંપનીએ આ ભૂલ બદલ માફી માગી અને નજીકના કંપનીના રિટેઇલ સ્ટોરમાં જઇને એ જ મોડેલનો ફોન બદલી આપવાની ઓફર કરી. જો યૂઝર તેના મોડેલથી ઉપલું મોડેલ પસંદ કરે તો તેમાં ૭૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ આપી!

 આખી વાતનો આપણે માટે સાર એ કે ફોનમાંની કોઈ પણ સિસ્ટમ એપ્સમાં કુતૂહલ સંતોષવા ખાતર પણ કોઈ છેડછાડ ન કરવી. આપણે પેલા યૂઝર જેટલા નસીબદાર સાબિત ન પણ થઈએ. 

Gujarat