વોટ્સએપ ગ્રૂપમાં આપણી સ્પષ્ટ ઓળખ આપતું ટેગ ઉમેરી શકાશે

વોટ્સએપમાં કોઈ ગ્રૂપમાં આપણે કોઈ ચોક્કસ વ્યક્તિને સંબોધીને નવો મેસેજ મોકલવા
માગતા હોઈએ તો એ વ્યક્તિના નામ પહેલાં ‘@’ સાઇન ઉમેરીને તેને ટેગ કરી શકીએ. વોટ્સએપમાં આ સુવિધા લાંબા સમયથી છે. આ પ્રકારના ટેગિંગથી એ
વ્યક્તિને પણ જાણ થાય છે કે તેમણે જાણવાજોઈ કંઈક ગ્રૂપમાં ઉમેરાયું છે.
હવે વોટ્સએપમાં એક નવા પ્રકારનું ટેગ પણ ઉમેરાઈ રહ્યું છે, એ છે ગ્રૂપમાં આપણી ઓળખ આપતું ટેગ.
આપણા વોટ્સએપ પર આપણે પોતાના ફેમિલી કે ફ્રેન્ડ્ઝના ગ્રૂપમાં એક્ટિવ હોઇએ તો
મોટા ભાગે આપણે ગ્રૂપમાં સામેલ અન્ય સભ્યોને ઓળખતા જ હોઇએ. પરંતુ ખાસ કરીને બિઝનેસ
કે અન્ય હેતુ માટેના મોટા ગ્રૂપમાં આપણે સામેલ હોઇએ તો ઘણી વાર અન્ય લોકોને ખાસ
ઓળખતા ન પણ હોઇએ. એ જ રીતે, ગ્રૂપમાંના અન્ય લોકોને આપણો
પૂરતો પરિચય ન હોય.
આના ઉપાય તરીકે વોટ્સએપના કોઈ પણ ગ્રૂપમાં સામેલ વ્યક્તિ પોતાના નામ સાથે એક
ચોક્કસ ટેગ ઉમેરી શકે છે. ગ્રૂપના એડમિન ઉપરાંત ગ્રૂપમાં સામેલ કોઈ પણ વ્યક્તિ
આવું ટેગ ઉમેરી શકે છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાના
માટે જ આવું ટેગ ઉમેરી શકે છે. જેમ કે તમે તમારી જૂની પ્રાઇમરી સ્કૂલના તમામ
ધોરણના વિદ્યાર્થીઓના ગ્રૂપમાં સામેલ હો તો તમારા ટેગમાં તમે ક્યા વર્ષમાં, કયા ધોરણમાં ભણતા હતા એ માહિતી આપતું ટેગ ઉમેરી શકો. દરેક વ્યક્તિ પોતાની
જરૂરિયાત મુજબ ઇચ્છે ત્યારે ટેગ એડિટ કરી શકે છે.
આ ટેગ ગ્રૂપના ઇન્ફો પેજ પર હોઇએ ત્યારે ગ્રૂપ મેમ્બર લિસ્ટમાં નામ સાથે જોવા
મળે છે. ગ્રૂપ ચેટમાં પણ મેસેજ સાથે આ ટેગ જોઈ શકાય છે. ટેગ વધુમાં વધુ ૩૦ કેરેકટર
લાંબુ હોઈ શકે. તેમાં સ્પેશિયલ કેરેક્ટર કે લિંક્સ આપી શકાતી નથી. આપણે જુદાં
જુદાં ગ્રૂપમાં પોતાના વિશે અલગ અલગ ટેગ ઉમેરી શકીએ.
આ ફીચર ધીમે ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે. તમે તેનો લાભ લેવા માગતા હો તો તમારા
કોઈ ગ્રૂપમાં ગ્રૂપ ઇન્ફો પેજ પર જાઓ. તેમાં મેમ્બર્સમાં તમારું નામ શોધીને તેમાં એડ ટેગ વિકલ્પ જોવા મળે તો તેનો લાભ
લઇને જે માહિતી ઉમેરવી હોય તે ઉમેરી દો.

