ટેલિગ્રામમાં કમાણીનો નવો રસ્તો
લાંબા સમય સુધી જુદા જુદા વિવાદોમાં સપડાયા પછી પણ ટેલિગ્રામ એપનો ઉપયોગ સતત
વધતો રહ્યો છે. એપમાં નિયમિત રીતે નવાં નવાં ફીચર્સ પણ ઉમેરાતાં રહે છે. ગયા
અઠવાડિયે ટેલિગ્રામમાં ચેનલ્સ સંબંધિત કેટલાક ફેરફારો થયા.
હજી હમણાં જ વોટ્સએપમાં પણ કન્ટેન્ટ ક્રિએટર પોતાની ચેનલને મોનેટાઇઝ કરી શકે
એટલે કે કમાણી કરી શકે તેવાં ફીચર ઉમેરાયાં છે. ટેલિગ્રામમાં પણ કંઈક એ પ્રકારની
સુવિધાઓ આવી રહી છે.
આ ફેરફાર મુજબ ટેલિગ્રામ પરની પોપ્યુલર ચેનલ્સમાં હવે સબસ્ક્રાઇબર પણ પોતાના
તરફથી પોસ્ટ મૂકી શકશે. એ મુજબ આપણે જે ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તેના યૂઝર તરીકે
એ ચેનલના મેસેજબાર આઇકન પર ક્લિક કરીને આપણે પોતાનો મેસેજ ચેનલને મોકલી શકીશું.
ચેનલના ક્રિએટર એ મેસેજને િરવ્યૂ કરશે, જરૂર લાગે તો એડિટ કરશે. પછી
એ સજેસ્ટેડ પોસ્ટ ચેનલમાં ક્યારેય દેખાય તે નક્કી કરી શકશે.
જો આવી પોસ્ટ ચેનલ પર લાઇવ થાય તો તેના બદલામાં ચેનલ ક્રિએટરને ટેલિગ્રામ સ્ટાર કે ટોનકોઇન (એક પ્રકારની ટેલિગ્રામની
ક્રિપ્ટોકરન્સી, જે ટેલિગ્રામ ડેવલપ કરનારી
કંપનીએ જ ડેવલપ કરી છે) સ્વરૂપે રિવોર્ડ મળશે. ચેનલના ક્રિએટરને પોસ્ટ લાઇવ થયાના
૨૪ કલાક પછી આ રિવોર્ડ મળશે. જો ચેનલ પરથી પોસ્ટ ૨૪ કલાકમાં જ દૂર કરવામાં આવે તો
તેને માટે આપવામાં આવેલો રિવોર્ડ રિફંડ કરી દેવામાં આવશે.
સાદા શબ્દોમાં આ આખી વાત કંઈક આવી છે - ટેલિગ્રામ પર જે ચેનલ ખાસ્સી મોટી
સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ ધરાવતી હોય તે પોતાની ચેનલ પર અન્ય યૂઝરનું કન્ટેન્ટ કે
અન્ય કંપનીની પ્રમોશનલ પોસ્ટ મૂકી શકશે અને તેના બદલામાં સીધે સીધી ટેલિગ્રામ
પ્લેટફોર્મ પરથી કમાણી કરી શકશે.
અત્યારે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર ઇન્ફ્લુઅન્સર્સ તેમની
પોપ્યુલારિટીના બદલામાં જુદા જુદા બિઝનેસ પાસેથી આવક મેળવી શકે છે. હવે વોટ્સએપ
અને ટેલિગ્રામ જેવા, ખાસ કરીને ડાયરેક્ટ મેસેજિંગ
ફોકસ્ડ પ્લેટફોર્મ પર પણ કમાણીની નવી તકો ખુલી રહી છે. મહત્ત્વની વાત એ છે કે આમાં
જે તે પ્લેટફોર્મ પોતે કન્ટેન્ટ ક્રિએટર અને પ્રમોશનલ કન્ટેન્ટ શેર કરતી કંપની
વચ્ચે મધ્યસ્થી તરીકેનું કામ કરશે.