ફોનના સ્ક્રીન પર ગ્રીન ડોટ દેખાય છે ?
તમે તમારા લેપટોપમાં સ્ક્રીનની ઉપર કેમેરાની બાજુમાં કે સ્માર્ટફોનના સ્ક્રીન
પર ઉપર જમણા ખૂણે કોઈ વાર લીલું ટપકું જોયું છે? આ એક પ્રાઇવસી સંબંધિત ફીચર છે. સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડના
૧૨મા વર્ઝનથી આ ફીચર ઉમેરાયું છે.
જ્યારે પણ આપણા ડિવાઇસના કેમેરા અથવા માઇક્રોફોન કે બંનેનો ઉપયોગ થઈ રહ્યો હોય
ત્યારે સ્ક્રીન પર આ ગ્રીન ડોટ દેખાય છે. તમે પોતે કેમેરા ઓન કરશો તો જમણા ખૂણે
પહેલાં એક-બે સેકન્ડ માટે ગ્રીન બેકગ્રાઉન્ડમાં કેમેરાનો આઇકન જોવા મળશે અને પછી
તે ટચૂકડા ગ્રીન ડોટમાં ફેરવાઈ જશે. એવું જ માઇક્રોફોનના ઉપયોગ વખતે થાય છે. જો
આપણા ફોનમાં કોઈ માલવેર હોય તો તે બેકગ્રાઉન્ડમાં કેમેરા અથવા માઇક્રોફોન કે બંને
ઓન કરી શકે છે. આથી ફોનના સ્ક્રીન પર બીજું કંઈ ચાલતું હોય કે તે બંધ હોય તેવું
લાગતું હોય પરંતુ ફોનનો કેમેરા કે માઇક્રોફોન તેને જે દેખાતું/સંભળાતું હોય તે
કેપ્ચર કરતા હોય તેવું બની શકે! ગ્રીન ડોટથી આવું કંઈ ચાલી રહ્યું હોય તો આપણને તેની
જાણ થાય છે.