Get The App

વિન્ડોઝ હેલોમાં એક મોટો ફેરફાર

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
વિન્ડોઝ હેલોમાં એક મોટો ફેરફાર 1 - image


જો તમે નજીકના સમયમાં પ્રમાણમાં સારા કન્ફિગરેશન સાથેનું (બીજા શબ્દોમાં મોંઘું!) લેપટોપ ખરીદ્યું હોય તો તેમને તેમાં ફિંગરપ્રિન્ટ અને/અથવા ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો લાભ મળતો હશે. તમે જાણતા જ હશો કે વિન્ડોઝમાં લોગઇન થવા માટે માઇક્રોસોફ્ટ કંપનીએ ‘વિન્ડોઝ હેલ્લો’ નામનું એક ફીચર વિકસાવ્યું છે (‘ટેકનોવર્લ્ડ’માં આપણે તેની વિગતવાર વાત કરી ગયા છીએ). વિન્ડોઝ હેલ્લોને કારણે આપણે પોતાનો પિન, પાસકોડ સેટ કરીને અથવા ફિંગરપ્રિન્ટની સગવડ હોય તો તે આપીને કમ્પ્યૂટરમાં લોગ ઇન થઈ શકીએ છીએ. એ જ રીતે લેપટોપમાંના ઇન્ફ્રારેડ (આઇઆર) સેન્સર આપણા ચહેરાને સ્કેન કરીને, તેને ઓળખીને આપણને ફટાફટ લોગઇન થવાની સગવડ આપે છે. ફિંગરપ્રિન્ટની જેમ સાવ શરૂઆતમાં ફક્ત એક વાર આપણે કમ્પ્યૂટરની સિસ્ટમને પોતાનો ચહેરો ઓળખવાની તાલીમ આપવી પડે છે.

અત્યાર સુધી વિન્ડોઝ  હેલ્લો સિસ્ટમ આઇઆર સેન્સરની મદદથી ચહેરાનું થ્રીડી સ્કેનિંગ કરતી હતી. આ સિસ્ટમ એપલના ફેસ આઇડી જેમ જ કામ કરે છે. આ સિસ્ટમ એટલી કામઢી છે કે આપણે લેપટોપનો સ્ક્રીન ઓપન કરીએ એ સાથે તેમાંનું આઇઆર સેન્સર આપણો ચહેરો ઓળખી લે અને આપણે કમ્પ્યૂટરમાં લોગઇન થઈ જઇએ. લેપટોપ સામે બેસવા સિવાય આપણે કશું કરવાનું રહે નહીં.

સગવડ ત્યાં સુધીની કે મોડી સાંજે કે રાત્રે અપૂરતા અજવાળામાં લેપટોપ સામે બેસીએ તો પણ વિન્ડોઝ હેલ્લો સિસ્ટમ આપણને ઓળખી લે. જોકે આ સગવડ હવે બંધ થઈ છે. હવે ફક્ત પૂરતું અજવાળું હોય ત્યારે જ સિસ્ટમ આપણો ચહેરો પારખી શકશે. નવી સિસ્ટમ મુજબ કમ્પ્યૂટરમાં આઇઆર સેન્સર તથા કલર વેબકેમ બંને સાથે મળીને આપણો ચહેરો ઓળખવાની જવાબદારી સંભાળશે.

મોટા ભાગના વેબકેમ અપૂરતા અજવાળામાં સારું કામ આપતા નથી. તેમને બહારથી અજવાળાની જરૂર પડે છે. કંપની તરફથી આ ફેરફાર માટે કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ જૂની વ્યવસ્થામાં સિક્યોરિટી સંબંધિત મુશ્કેલી હતી એ દેખીતું છે.

ફક્ત આઇઆર સેન્સર પર આધાર રાખવામાં આવે તો લેપટોપ સામે ઓરિજિનલ યૂઝરના ચહેરા સાથે સામ્યતા ધરાવતી વ્યક્તિ આવે કે તેનો ફોટોગ્રાફ ધરી દેવામાં આવે તો પણ સિસ્ટમ તેને ઓરિજિનલ યૂઝર માનીને લોગ ઇન કરી દેતી હતી! હવે નવી વ્યવસ્થામાં આઇઆર સેન્સર તથા કલર વેબકેમ બંને સાથે મળીને કામ કરશે. કલર વેબકેમ પૂરતા અજવાળામાં જ સારું કામ આપે છે, આથી ઓરિજિનલ વ્યક્તિ પૂરતા અજવાળામાં પોતાનો ચહેરો બતાવે તો જ સિસ્ટમ તેને લોગ ઇન કરશે. આમ સગવડ થોડી ઘટી પરંતુ સામે વધુ સલામતી મળી!

Tags :