સાવ હાથવગા મોબાઈલ ફોનનાં 50 વર્ષ !
- VkuLk ¾hu¾h ykÃkýk nkÚk{kt ykÔÞku yu ðkíkLku yk {rnLku 50 ð»ko ÚkÞkt, yu rLkr{¥ku yuf LkkuMxkÂÕsf sLkeo
એપ્રિલ ૩, ૧૯૭૩ના દિવસે ન્યૂયોર્કના
લોકોને કંઈક કૌતુક જોવા મળ્યું. એક માણસ રસ્તા પર ઊભો ઊભો હાથમાં આખેઆખી ઇંટ જેવું
સાધન લઈને તેમાં વાત કરતો હતો, આજુબાજુ પ્રેસ રિપોર્ટર્સ પણ
હતા. એ માણસ એટલે મોટોરોલા કંપનીના એન્જિનીયર માર્ટિન કૂપર. એ તેમના હરીફ સાથે વાત
કરી રહ્યા હતા. તેમણે કહ્યું જોએલ, માર્ટી બોલું છું. હું તમારી સાથે એક સેલ ફોનમાંથી વાત કરું છું, એક રિઅલ હેન્ડહેલ્ડ પોર્ટેબલ ફોન!
રિઅલ હેન્ડહેલ્ડ પોર્ટેબલ ફોન આ શબ્દો ખરા અર્થમાં ભારેખમ હતા અને સામેના છેડે લેન્ડલાઇન પર તેને સાંભળતા બેલ લેબ્સના એન્જિનીયરને એ ખરેખર ઇંટની
જેમ વાગે તેવા હતા.
વાયરલેસ ફોનનો વિચાર છેક ૧૯૪૭માં રમતો થઈ ગયો હતો. બેલ લેબ્સ કંપનીના
એન્જિનીયર્સે દોડતી કારમાંથી વાત થઈ શકે તેવા કાર ફોન્સ અને તેમને ફોન નેટવર્ક સાથે
જોડવા માટે હેક્ઝાગોનલ સેલ (આજના મોબાઇલ ટાવર્સ)નો કન્સેપ્ટ રજૂ કર્યો હતો. તેમણે એવા કાર ફોન ડેવલપ પણ કરી લીધા હતા, પણ એ ફોન માટે કારમાં બારેક કિલો વજનનાં સાધનો સાથે ફેરવવાં જરૂરી હતાં!
મોબાઇલ ફોન ડેવલપ કરવા બેલ લેબ્સ સાથે હરીફાઈમાં ઊતરેલી મોટોરોલા કંપનીના
માર્ટિન કૂપરે બાજી મારી લીધી હતી. બેલ લેબ્સના બાર-તેર કિલોના ફોન સામે, તેમનો મોબાઇલ માંડ સવા કિલો વજનનો હતો!
અત્યારે આપણા હાથમાં રમતા ને હવે તો સેટેલાઇટ સાથે પણ કનેક્ટ થઈ શકતા મોબાઇલ ફોનની પ૦ વર્ષની સફર કેવી રહી? આવો તપાસીએ! વર્ષ પર ધ્યાન આપજો.
1975: DynaTAC
8000X
દુનિયાનો સૌથી પહેલો સેલ ફોન
મોટોરોલા કંપનીના એન્જિનીયર માર્ટિન કૂપરે એપ્રિલ ૩, ૧૯૭૩ના દિવસે દુનિયાનો સૌથી પહેલો સેલ ફોન કોલ કર્યો. એ માટે તેમણે જે
પ્રોટોટાઇપનો ઉપયોગ કર્યો એનું વજન ૧.૧ કિલો હતું અને ફોન દેખાવમાં રીતસર ઇંટ
જેવડો હતો. રિચાર્જ માટે પૂરા ૧૦ કલાક ખર્ચ્યા પછી આ ફોન માત્ર ૩૦ મિનિટનો ટોક
ટાઇમ આપતો હતો. ત્યારે એ ફોનની કિમત આશરે ૪,૦૦૦ ડોલર હતી, રૂપિયામાં ગણીએ તો ૩,૨૦,૦૦૦!
1985: Siemens
Mobiltelefon C1
સૂટકેસ સાથેનો મોબાઇલ ફોન
ફોન સાથે સૂટકેસ ફેરવવી જરૂરી હોય એવી એવી આજે કલ્પના પણ થાય? ૧૯૮૫માં આવેલો સિમેન્સનો ફોન બધું મળીને રીતસર લેપટોપ કે ટચૂકડી સૂટકેસ જેવડો
હતો!
1987: Nokia
Mobira Cityman 900
પહેલા કરતાં હળવો ફોન
મોબાઇલ ફોનના માર્કેટમાં વર્ષો સુધી રાજ કરનાર નોકિયા કંપનીએ ૧૯૮૭માં તેનો
પહેલો મોબાઇલ ફોન લોન્ચ કર્યો. તેની ખાસિયત હતી તેનું ફક્ત ૮૦૦ ગ્રામ જેટલું વજન.
1988: Samsung
SH 100
સેમસંગનો સૌથી પહેલો સેલ ફોન
વર્ષ ૧૯૮૮માં સેમસંગ કંપનીએ તેનો હેન્ડફોન વિકસાવ્યો. કોરિયામાં ડિઝાઇન થયેલો
અને મેન્યુફેકચર થયેલો આ સૌથી પહેલો ફોન હતો.
1989:
Motorola’s MicroTAC
ખરેખર નાનો, ફ્લિપ ફોન
મોટોરોલા કંપનીએ વિકસાવેલા આ ફોનથી પહેલી વાર મોબાઇલ ફોનમાં ઇનોવેશનની શરૂઆત
થઈ. અગાઉના લગભગ બધા મોબાઇલ ફોન દેખાવમાં ઇંટ જેવડા હતા પરંતુ મોટોરોલાનો આ ફોન
સરખામણીમાં ઘણો નાનો હતો અને તેમાં કી-પેડનું ઢાંકણ ફ્લિપ કરીને ખોલી શકાય તેવું
હતું. અગાઉના બધા મોબાઇલ કારમાં મૂકી રાખવા પડે તેવા હતા, જ્યારે આ કદાચ પહેલો ફોન એવો હતો જેને સહેલાઇથી હાથમાં લઇને ફરી શકાય તેવું
હતું.
1992: Nokia
1011
નાનો ફોન, નાનું એન્ટેના
નોકિયા કંપનીએ પહેલી વાર જીએસએમ (ટુ-જી) ફોન લોન્ચ કર્યો. ૧૯૯૦ના દાયકાની
શરૂઆત તથા આ ફોન સાથે મોબાઇલ ફોન કદમાં ઘણા નાના બન્યા અને તેના પરનું એન્ટેના પણ
પાતળું અને નાનું બન્યું.
1994: IBM’s
Simon
ટચસ્ક્રીનવાળો પહેલો ફોન
આઇબીએમ આજે સોફ્ટવેર, ક્લાઉડ અને એઆઇ સોલ્યુશન્સ
માટે વધુ જાણીતી કંપની છે, પરંતુ આ કંપનીએ વર્ષ ૧૯૯૪માં સિમોન નામનો ફોન લોન્ચ કર્યો હતો. એ
ફોનને આપણે દુનિયાનો પહેલો સ્માર્ટફોન ગણી શકીએ કેમ કે તેમાં ટચસ્ક્રીન હતો અને
એપ્સ પણ હતી.
1996:
Motorola StarTAC
રિંગટોન સાથે વાઇબ્રેટ મોડ
મોટોરોલા કંપનીએ મોબાઇલ ફોનમાં ફરી એક નવી પહેલ કરી. ક્લેમ-શેલ પ્રકારની એટલે
કે કી-પેડની ઉપરનો ભાગ ફ્લિપ કરી ઓપન કરીને ઉપયોગ કરી શકાય તેવા આ ફોનમાં પહેલી જ
વાર રિંગટોન સાથે વાઇબ્રેટ મોડની પણ સગવડ મળી.
1996: Nokia
Communicator 9000
બિઝનેસમેનનો ફોન
નોકિયાએ લોન્ચ કરેલા આ ફોન સાથે બિઝનેસ એક્ઝિક્યુટિવ્સને ખરા અર્થમાં ગમે
ત્યાંથી કામ કરવાની સગવડ મળવાની શરૂઆત થઈ. આ ફોનમાં પહેલી વાર ટાઇપરાઇટર કે
કમ્પ્યૂટર જેવું QWERTY કી-બોર્ડ મળ્યું. ફોનના સ્ક્રીનને
લેપટોપની જેમ ઓપન કરી ફોનને ઓપરેટ કરી શકાતો હતો. આ ફોનમાં ઇમેઇલ, વેબબ્રાઉઝિંગ, ફેક્સ, વર્ડ પ્રોસેસિંગ તથા સ્પ્રેડશીટની પણ સગવડ હતી!
1997: Hagenuk
GlobalHandy
એન્ટેના વગરનો મોબાઇલ
આ ફોન ડેવલપ કરનારી કંપની આપણે માટે અજાણી છે, પણ તેણે પહેલી વાર દુનિયાને મોબાઇલ ફોન પરના લાંબાલચક એન્ટેનાથી મુક્તિ અપાવી!
1998: Siemens
S10
કલર સ્ક્રીનવાળો ફોન
સિમેન્સ કંપનીના આ ફોનમાં પહેલી જ વાર ફોનના સ્ક્રીનમાં કલર જોવા મળ્યા!
1999:
Motorola Timeport
વિવિધ દેશમાં ચાલતો ફોન
દુનિયાનો આ પહેલો ફોન એવો હતો જેનો ઉપયોગ યુરોપ, યુકે કે યુએસએમાં બધે કરી શકાતો હતો કેમ કે આ ફોન દુનિયાનો પહેલો ટ્રાઇ-બેન્ડ
જીએસએમ ફોન હતો. એ ફોન સાથે દુનિયાભરમાં
ફરતા બિઝનેસમેનનું કમ્યુનિકેશન સરળ બન્યું.
1999: Nokia
7110
વેપ બ્રાઉઝરવાળો ફોન
મોટોરોલાની સાથોસાથ ૧૯૯૯ના વર્ષમાં નોકિયા કંપનીએ પણ એક મોટો ધમાકો કર્યો.
તેના આ ફોનમાં પહેલી જ વાર લોકોને વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ (ડબલ્યૂએપી)
પ્રકારના બ્રાઉઝરથી ઇન્ટરનેટ સર્ફ કરવાની સગવડ મળી.
1999: Samsung
SPH-M100
એમપી૩ પ્લેયરવાળો ફોન
મોબાઇલની બાબતે ૧૯૯૯નું વર્ષ ખાસ્સું નોંધપાત્ર રહ્યું. વિવિધ દેશોમાં ઉપયોગ
કરી શકાતા તથા ઇન્ટરનેટ સર્ફિંગની સગવડ આપતા ફોન ઉપરાંત, આ વર્ષમાં સેમસંગ કંપનીએ ફોનમાં એમપી૩ પ્લેયરની સગવડ આપી, ફોન પર પ્લેનું અલગ બટન પણ હતું.
2002: Nokia’s
5210
પાણીનો સામનો કરી શકતો ફોન
નોકિયાના આ ફોનનો તો તમે પણ કદાચ ઉપયોગ કર્યો હશે. ફક્ત ૯૨ ગ્રામ વજન ધરાવતો આ
મોબાઇલ ફોન એ દિવસોમાં ખાસ્સો પોપ્યુલર થયો હતો. રબર જેવા મટિરિઅલથી બનેલો
દુનિયાનો આ પહેલો ફોન એવો હતો, જેને પાણીની છાલકનો સામનો કરી
શકતો હતો!
2002: Benefon Esc
જીપીએસવાળો ફોન
ફરી, આપણે માટે અજાણી કંપની પણ
તેના આ ફોન સાથે દુનિયાને પહેલી વાર, ફોનમાં ગ્લોબલ પોઝિશનિંગ
સિસ્ટમ (જીપીએસ)ની ભેટ મળી!
1999: Kyocera Visual
Phone VP-210
કેમેરાવાળો ફોન
દુનિયાનો આ પહેલો ફોન હતો જેમાં કેમેરા પણ હતો. લોન્ચ કરનારો દેશ? દેખીતું છે જાપાન! ફ્રન્ટ ફેસિંગ કેમેરા ધરાવતા આ ફોનમાં ૨૦ ફોટોગ્રાફ સમાય
એટલી મેમરી હતી.!
2000: Nokia 3310
હળવો છતાં ટકાઉ ફોન
ફરી, નોકિયાનો એવો ફોન જેનો કદાચ
તમે પણ ઉપયોગ કર્યો હશે. આ ફોન સાથે મોબાઇલ ફોન હજી વધુ નાના અને વજનમાં હળવા
બન્યા. જબરો ટકાઉ એવો આ ફોન આજ સુધીનો સૌથી વધુ વેચાયેલો ફોન છે.
2001: Nokia 8310
કેલેન્ડર અને રેડિયોવાળો ફોન
નોકિયાએ ૨૧મી સદીના આગમન સાથે જ નવા સમયના ફોનની ભેટ આપી. આ ફોનમાં કેલેન્ડર
અને રેડિયોની ભેટ મળી. ફોનમાં ઇન્ફ્રારેડ શોર્ટ રેન્જ કનેક્ટિવિટી પણ હતી.
2001: Ericsson T39
બ્લુટૂથવાળો ફોન
એરિક્સન કંપનીએ આ ફોનમાં બ્લુટૂથ કનેક્ટિવિટીની સગવડ આપી. એ પછી અન્ય કંપનીઓએ
પણ તેનો ઉપયોગ શરૂ કર્યો. કંપનીની ટીવી એડ યાદ છે?!
2002: Nokia 7650
સિમ્બાયન ઓએસ સાથેનો ફોન
અત્યારે આપણે માટે ફોનની એન્ડ્રોઇડ અને આઇઓએસ એ બે જ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી
છે પરંતુ એક સમયે સિમ્બાયન મોબાઇલ ઓપરેટિંગ
સિસ્ટમનો દબદબો હતો. નોકિયાના
ફોનમાં આ ઓએસનો ઉપયોગ થયો હતો. એરિક્સન, મોટોરોલા વગેરે પણ તે અપનાવી.
બિલ્ટઇન કેમેરાવાળો નોકિયાનો આ પહેલો ફોન હતો.
2002: Sanyo SCP-5300
ફોટોગ્રાફ બતાવી શકતો ફોન
આ સમય સુધીમાં ફોનમાં કેમેરાની સગવડ મળી ગઈ હતી, પરંતુ એ ફોટોગ્રાફ જોવા હોય તો ફોનને કમ્પ્યૂટર સાથે કનેક્ટ કરવો પડતો હતો.
સાન્યો કંપનીના આ ફોનમાં પહેલી વાર ફોનના સ્ક્રીન પર જ ફોટોગ્રાફ જોવાની સગવડ મળી.
આ ફોનમાં કેમેરા સાથે ફ્લેશ પણ મળી. આ ફોન
સાથે ફોન કદમાં વધુ ને વધુ નાના થયા. આ ફોનની હરીફાઈમાં નોકિયાએ લોન્ચ કરેલા
ફોનમાં એક મેગા પિક્સેલનો કેમેરા હતો!
2007: iPhone
આઇફોનનું આગમન
એપલ કંપનીના સ્ટિવ જોબ્સે વર્ષ ૨૦૦૭માં આઇફોન લોન્ચ કર્યો અને એ સાથે ફોનની
દુનિયા બદલાઈ ગઈ. આ ફોનમાં પહેલી વાર સાદા કી-પેડને બદલે હળવા સ્પર્શે કામ કરતા
ટચસ્ક્રીનના નવા યુગની પણ શરૂઆત થઈ. પછી એન્ડ્રોઇડ બહુ ચાલ્યા, પણ આઇફોનની વાત અલગ!
2008: Android
એન્ડ્રોઇડે દુનિયા સર કરી
આઇફોન લોન્ચ થયાના બીજા જ વર્ષે એચટીસી ડ્રીમ ફોન લોન્ચ થયો જેમાં એન્ડ્રોઇડ
ઓપરેટિંગ સિસ્ટમ હતી. આઇફોનની સરખામણીમાં આ ફોન ખાસ્સો ઊતરતો હતો છતાં એન્ડ્રોઇડના
આગમન સાથે સ્માર્ટફોનની નવી દુનિયા ઊભી થઈ.
2015: Yotaphone
બે સ્ક્રીનવાળો ફોન
સેમસંગ, ઓપો કે વનપ્લસ વગેરેના
ફોલ્ડેબલ સ્માર્ટફોન હવે ખાસ્સા પોપ્યુલર થઈ રહ્યા છે, પરંતુ બે સ્ક્રીનવાળો દુનિયાનો પહેલો ફોન ૨૦૧૫માં આવી ગયો હતો, બનાવ્યો હતો એક રશિયન કંપનીએ.