Get The App

31/એટલાસ ધૂમકેતુમાંથી પાણી બહાર ફેંકાય છે : ભાગ્યે જ બનતી અંતરિક્ષ ઘટના

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
31/એટલાસ ધૂમકેતુમાંથી પાણી બહાર ફેંકાય છે : ભાગ્યે જ બનતી અંતરિક્ષ ઘટના 1 - image

- ધૂમકેતુ સૂર્યથી 45 કરોડ કિ.મી.ના અતિ અતિ દૂરના અંતરે હોવા છતાં તેમાંથી બરફનાં સુક્ષ્મ કણો બહાર ફેંકાઇેને પાણી બને છે

વોશિંગ્ટન : આપણા સૂર્યમંડળમાં અચાનક જ આવી પહોંચેલા ૩૧/ એટલાસ સંજ્ઞા ધરાવતા મહાકાય ધૂમકેતુમાંથી વરાળ(પાણી જેવું સ્વરૂપ)  બહાર ફેંકાઇ રહી છે. અંતરિક્ષની આ અજીબોગરીબ ઘટનાથી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આશ્ચર્યચકીત થઇ ગયા છે. 

૩૧/એટલાસ ધૂમકેતુ આપણા સૂર્યમંડળ બહારના કોઇ અતિ અતિ દૂરના અંતરના સૂર્યમંડળમાંથી અથવા તો કોઇ અજાણી ગેલેક્સીમાંથી આપણા સૂર્યમંડળમાં આવી પહોંચ્યો છે. આવા અજાણ્યા ધૂમકેતુને  ખગોળશાસ્ત્રની ભાષામાં ઇન્ટરસ્ટેલર કોમેટ કહેવાય છે.

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના વિજ્ઞાનીઓના કહેવા મુજબ આ પ્રકારની ઘટના પહેલી જ વખત બની રહી છે. 

નાસાની   નીલ જેહરલ્સ સ્વિફ્ટ   વેધશાળા દ્વારા  શોધાયેલો  ૩૧/એટલાસ ધૂમકેતુ ખરેખર તો આપણા સૂર્યથી ઘણા ઘણા દૂરના અંતરે છે. એટલે કે  આ ધૂમકેતુ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર (સૂર્ય --પૃથ્વી વચ્ચેનું અંતર ૧૫ કરોડ કિલોમીટર છે) કરતાં પણ ત્રણ ગણા વધુ દૂરના (૪૫ કરોડ કિ.મી.) અંતરે હતો ત્યારે તેમાંથી પાણીની વરાળ બહાર ફેંકાવાની ઘટના બની હતી.

આશ્ચર્યની બાબત તો એ છે કે આ ધૂમકેતુ હાલ  અંતરિક્ષના જે હિસ્સામાં છે તે હિસ્સો અતિ અતિ  ઠંડોગાર છે.  એટલે કે આ ધૂમકેતુની નાભીમાંનો બરફનો વિપુલ જથ્થો સૂર્યનાં તેજસ્વી કિરણોથી ઓગળી જાય તે શક્ય  નથી. આમ છતાં ચોક્કસ કયાં પરિબળોથી આ ધૂમકેતુમાંથી પાણીની વરાળ બહાર ફેંકાઇ રહી છે તે બાબત વિજ્ઞાનીઓ માટે રહસ્યમય બની રહી  છે.

નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે અત્યારસુધીમાં  આપણા સૂર્યમંડળમાં બહારથી  આવેલો  આ ત્રીજો ઇન્ટરસ્ટેલર આકાશીપીંડ છે. અગાઉ ૨૦૧૭માં ઓઉમુઆમુઆ અને ૨૦૧૯માં બોરીસોવ નામના ધૂમકેતુ આપણા સૌરમંડળની અચાનક મુલાકાતે આવ્યા હતા. 

નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ૩૧/એટલાસ ધૂમકેતુમાંથી  દર સેકન્ડે ૪૦ કિલોગ્રામ જેટલી પાણીના સ્વપની વરાળ  બહાર ફેંકાઇ રહી છે. આ પ્રક્રિયા ખરેખર બહુ જ આશ્ચર્યજનક અને અતિ તીવ્ર છે.  વળી, આ ધૂમકેતુમાંથી બરફનાં અતિ સુક્ષ્મ કણો  આખા અંતરિક્ષમાં ફેંકાઇ રહ્યાં છે. જોકે બરફનાં આ કણો સમય જતાં ગરમ થઇ જાય છે અને તેમાંથી પાણીનાં બિંદુઓ બહાર ફેંકાય છે.

આવી સમગ્ર ઘટના જોકે ભાગ્યે જ બને છે. ધૂમકેતુઓમાં આવી રહસ્યમય ઘટના કયાં પરિબળોથી થાય છે તે સંશોધનનો વિષય છે. સાથોસાથ કોઇ આકાશીપીંડ તેની ગેલેક્સીમાંથી બહાર જઇને કઇ રીતે પ્રવાસ કરે છે તે ઘટના પણ વિશિષ્ટ છે. ઉપરાંત, પૃથ્વીના  જન્મના શરૂઆતના તબક્કામાં જળનું સર્જન કઇ રીતે થયું હશે તેની ઉપયોગી જાણકારી પણ મળી શકશે.