રાજસ્થળી ફીડરમાં વીજળીના વ્યાપક ધાંધિયાથી લોકોને ભારે હાલાકી

Updated: Jan 25th, 2023


- તંત્ર સુવિધા આપવામાં પણ ઉણુ ઉતર્યુ

- વલભીપુરથી ઉમરાળા સુધીની જૂની અને  લાંબી વીજ લાઈનમાં અવારનવાર ફોલ્ટ અને ભંગાણ શિરદર્દ સમાન

ઉમરાળા : ઉમરાળા તાલુકાના કાળુભાર નદીના ઓતરાદા કાંઠાની વાડીઓના ખેડૂતોને વીજબોર્ડના વલભીપુર સબ ડિવિઝન તાબાના રાજસ્થળી ફીડરમાંથી ખેતીવાડી સિંચાઈ માટે વર્ષોથી પાવર અપાય છે.વલભીપુરથી ઉમરાળા સુધીની જૂની અને  લાંબી વીજળી લાઈનમાં અવારનવાર ફોલ્ટ અને ભંગાણો સર્જાયા કરતા હોવાથી અને એવા દરેક ફોલ્ટ વખતે વલભીપુરમાં ફરિયાદ નોંધાવ્યા પછી સ્ટાફને રાજસ્થળી ફીડરના સંબંધિત વિસ્તાર સુધી પહોંચીને ફોલ્ટ શોધવામાં અને સુધારવામાં સમય નીકળી જતો હોવાથી ખેડૂતોએ વીજપુરવઠાની રાહમાં રાતોના ઉજાગરા કરવા પડતા હોવાની ફરિયાદો રહે છે.

ઉમરાળા અને આસપાસનાં ગામોની વીજપુરવઠાની સમસ્યાના હલ માટે લાખો રૂપિયાના ખર્ચે ઉમરાળા નજીક નવા ૬૬ કેવી સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું અને રતનપુર ૬૬ કેવી તરીકે નિર્માણ પામેલ આ નવું સબસ્ટેશન કાર્યાન્વિત થયાને ત્રણથી વધુ વર્ષો વીત્યા પછી પણ ઉમરાળા આસપાસના ગામોના ખેતીવાડી વીજળી કનેકશન ધરાવતા ખેડૂતો માટે રાતોનાં ઉજાગરાની પરિસ્થિતિ ચાલુ રહેવા પામી છે. ઉમરાળા પંથકના ઉપરોક્ત ખેતીવાડી વીજ જોડાણો માટે રતનપુર ૬૬ કે.વી.સાથે જોડાણ માટે નવું ૬૬ કે.વી.બન્યું ત્યારથી કાગળ પર ચાલતા  આયોજનને સ્થળ પર સાકાર કરવામાં ન આવે ત્યાં સુધી સંબંધિત વિસ્તારોના ખેડૂતો માટે રાતોના ઉજાગરાની અને મોલને જરૂરિયાતના સમયે પાણ ન આપી શકવાથી થતા આથક નૂકસાનની પરિસ્થિતિનો અંત આવે તેમ નથી તેમ અસરગ્રસ્તોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, નવું રતનપુર ૬૬ કે.વી. કાર્યાન્વિત થયું ત્યારથી રાજસ્થળી ફીડરમાં આવતા ઉમરાળા વિસ્તારના કાળુભારના ઉત્તરાદા કાંઠાના ખેતીવાડી વીજ જોડાણોને નવા ૬૬ કેવી તાબામાં મૂકવાની યોજનાની વાતો થતી રહે છે. નવા સબસ્ટેશનું લોકાર્પણ થયા પછી એ માટેનો કોન્ટ્રેક્ટ પણ અપાઈ ગયાનું વિદ્યુત બોર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું, પણ પછી એ કોન્ટ્રાકટનું શું થયું તે પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે...! સંબંધિત વિસ્તારને રતનપુર ૬૬ કે.વી.માંથી પાવર આપવા માટે કાળુભાર નદીના ઉત્તર-દક્ષિણ કાંઠા પર એક એક ટાવર ઊભો કરીને તેમજ બંને કાંઠે હયાત વીજળી લાઈનના થોડા થાંભલાઓના સ્થાનમાં ફેરફાર કરીને સમસ્યા હલ કરી શકાય તેમ છે,પરંતુ સંબંધિત તંત્ર એટલું કરવામાં પણ ઉણું ઉતરી રહ્યાની છાપ ઊભી થઈ છે.

    Sports

    RECENT NEWS