ભાવનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર
વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આવતીકાલે ભાવનગર રેલવે ડિવિઝનના ઈન્સ્પેક્શન માટે આવી રહ્યા છે. જી.એમ. ગુપ્તા નવેમ્બર માસના અંતમાં નિવૃત્ત થતાં હોય, તેમનું ભાવનગરમાં આ અંતિમ ઈન્સ્પેક્શન રહેશે. ત્યારે દરેક મુલાકાતમાં કર્મચારીઓએ કરેલા પ્રશ્નોની રજૂઆતનું પરિણામલક્ષી નિરાકરણના જી.એમ. દ્વારા પગલા ભરવામાં આવે તેવી કર્મચારીઓને આશા છે.
રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વેસ્ટર્ન રેલવેના જી.એમ. એક.કે. ગુપ્તાનું ઈન્સ્પેક્શન ગોઠવાયું છે. તેઓ ગઈકાલે બાન્દ્રાથી નીકળ્યા બાદ આજે વડોદરામાં ઈન્સ્પેક્શન કર્યું હતું. હવે આવતીકાલે તા.૧૫-૧૧ને શુક્રવારે જી.એમ. ગુપ્તા બાન્દ્રા ટ્રેન મારફત ભાવનગર રેલવે ડિવિઝનના ઈન્સ્પેક્શન માટે આવશે. તેઓ સવારે પાલિતાણા અને સોનગઢ રેલવે સ્ટેશને નિરીક્ષણ કરશે. ત્યારબાદ ભાવનગર ટર્મિનસ ખાતે પહોંચશે.
અહીં તેઓ રેલવે સ્ટેશન, રેલવે કોલોની વગેરે સ્થળોએ જઈ ઈન્સ્પેક્શન કરશે. આ ઉપરાંત અધિકારીઓ સાથે બેઠક, સ્વીમીંગ પુલ અને વાવનું લોકાર્પણ વગેરે કાર્યક્રમો ઘડાયા છે. જી.એમ.ના ઈન્સ્પેક્શનને લઈ ભાવનગર રેલવેના અધિકારીઓમાં બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. ભાવનગરમાં ઈન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે તેઓ રાજકોટ જશે. 17મીએ અમદાવાદ અને ત્યાંથી તેઓ બાન્દ્રા જવા નીકળશે.
નોંધનિય છે કે, નવેમ્બર માસમાં જી.એમ. એ.કે. ગુપ્તા રિટાયર્ડ થવાના છે. ત્યારે આવતીકાલ શુક્રવારનું તેમનું ભાવનગર ઈન્સ્પેક્શન છેલ્લું બની રહેશે તેમ વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું.
વધુમાં ભાવનગર રેલવે વર્કશોપના કર્મચારીઓના પડતર પ્રશ્નો, રેલવે ક્વાર્ટર વગેરેને લઈ ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો થઈ છે. તેમ છતાં રેલવે પ્રશાસન દ્વારા દુર્લક્ષ સેવવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે. જી.એમ. પણ તેમના પ્રશ્નોથી વાકેફ છે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. ત્યારે યુનિયનના આગેવાનો દ્વારા જી.એમ.ને ફરી રજૂઆત કરી પ્રશ્નોનો ઉકેલ આવે તેવી અપેક્ષા રાખવામાં આવનાર છે.


