Biparjoy Effect | મહારાષ્ટ્ર, ગુજરાત જ નહીં દિલ્હી, હરિયાણા સહિત આ રાજ્યોમાં પણ દેખાશે અસર
તટીય વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે
વાવાઝોડું ત્રાટકશે ત્યારે 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા
image : Twitter |
અરબ સાગરનું વાવાઝોડું આજે સાંજ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છના તટીય ક્ષેત્ર સાથે ટકરાઈ જશે. આ વાવાઝોડું નબળું પડી રહ્યું હોવાના પણ અહેવાલ છે પણ સંકટ હજું ટળ્યું નથી. તટીય વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જોકે બિપરજોય વાવાઝોડાની અસર ફક્ત ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં દેખાઈ રહી છે.
કયા કયા રાજ્યોમાં દેખાઈ રહી છે અસર
દરિયાકાંઠે ટકરાયા બાદ આગામી 4-5 દિવસો સુધી આ વાવાઝોડાનું પવન 30-40 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધશે. તેનાથી દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને પ.યુપીના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. એક અહેવાલ અનુસાર 18 જૂનથી દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડાના પવનની અસર દેખાવા લાગશે.
વાવાઝોડાને લઈને ગુજરાત સજ્જ
રેલવેએ દરિયાકાંઠાના વિસ્તારો સુધી ચાલતી ટ્રેનોને બે દિવસ અગાઉ જ રદ કરવાની જાહેરાત કરી હતી. ખેતરોમાં ઊભા પાક, વૃક્ષો અને બગીચાઓને નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર બિપરજોય વાવાઝોડું સાંજના 5 વાગ્યાની આજુબાજુ દરિયાકાંઠે ટકરાઈ શકે છે અને પછી તેનું લેન્ડફોલ માંડવીથી કરાચી વચ્ચે થઈ શકે છે.