રત્નકલાકારોની સુરતથી ફરી હિજરત હીરા બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન
- કોરોના સંક્રમણ અને આર્થિક સંકટથી હીરા ઉધોગ બેહાલ બન્યો
- અનલોક-ર માં સૌરાષ્ટ્રનાં કારીગરો સુરત પહોંચ્યા પરંતુ બજાર ધમધમતી ન થઈ
સરકારી સહાય પેકેજનાં નામે મીંડુ
લાખો રત્નકલાકારોને રોજી આપતા હીરા ઉધોગની માઠી બેઠી છે. લોકડાઉનમાં વતન આવેલા લાખો કારીગરો અનલોક જાહેર થતા બજાર ફરી શરૂ થશે તેવી આશાએ સુરત આવી ગયા હતા પરંતુ સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને કેટલાક કારખાનેદારોએ કારીગરોને પગાર ન આપતા આર્થિક બેકારીની ગર્તામાં ધકેલાઈ ગયેલા રત્નકલાકારોએ હવે ફરી ઉચાળા ભરીને સોૈરાષ્ટ્રની વાટ પકડી છે. પરિવાર સાથે હજારો કારીગરોનો પ્રવાહ સોૈરાષ્ટ્ર તરફ આવી રહયો છે. સોૈરાષ્ટ્રમાં પણ હીરા બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ
સોૈરાષ્ટ્ર અને સુરતમાં જ આશરે ૧૮ થી ર૦ લાખ રત્નકલાકારોને રોજી આપતો હીરા ઉધોગ છેલ્લા સાડા ચાર મહિનાથી બેહાલ બન્યો છે. અનલોક - ર માં પણ હીરા ઉધોગની ગાડી પાટે ચડી નથી. સુરતમાં કેટલાક હીરાનાં કારીગરોને પણ કોરોનાનો ચેપ લાગતા તેની અસર બજાર પર પડી છે બીજી તરફ દસેક ટકા કંપનીઓને બાદ કરતા કોઈએ એપ્રિલ - મે અને જૂનનો પગાર ન ચૂકવતા લાખો રત્નકલાકારો આર્થિક સંકટમાં આવી ગયા છે. ૧પ જુલાઈ સુધી બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. કોરોના અને આર્થિક સંકટમાં ફસાયેલા હજારો કારીગરોએ ફરી સોૈરાષ્ટ્રની વાટ પકડી છે. ખાસ કરીને ભાડે રૂમ રાખીને રહેતા રત્નકલાકારોએ પરિવાર સાથે ફરી ઉચાળા ભર્યા છે. હાલ સુરતથી સોૈરાષ્ટ્ર તરફ આવવાનો ટ્રાફિક ફરી વધી ગયો છે.
સોૈરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જસદણ, ગઢડા, પાલીતાણા, બાબરા, ગારીયાધાર, લાઠી સહિતનાં શહેરો હીરા ઉધોગનાં મુખ્ય કેન્દો છે. સોૈરાષ્ટ્રનાં ડાયમંડ માર્કેટ સાથે જોડાયેેલા આગેવાનોએ જણાંવ્યુ હતું કે હાલ સુરતથી રોજ હજારો રત્નકલાકારો ફરી સોૈરાષ્ટ્ર તરફ આવી રહયા છે અને તેઓ હવે દિવાળી સુધી નહી જાય તેવી ગણતરી રાખીને પરત ફરી રહયા છે. ભાવનગર જિલ્લામાં પણ તા. ૧પ સુધી બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. બોટાદ જિલ્લામાં ૩૦ થી ૩પ ટકા જ કારખાના માંડ ચાલુ થયા છે આવી જ હાલત અમરેલી જિલ્લાની છે. જયાં હીરાની ઘંટીઓ ચાલુ થઈ છે ત્યાં સમસ્યા એ સર્જાઈ છે કે તૈયાર માલ લેવા કોઈ તૈયાર નથી. સુરત , મુંબઈ અને વિદેશની માર્કેટમાં મંદી છે.
લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉધોગ ફરી બેઠો થાય તે માટે સરકાર તરફથી કોઈ પ્રોત્સાહક યોજના કે પેકેજ જાહેર કરવામાં આવ્યુ નથી. ડાયમંડ માર્કેટનાં આગેવાનોએ સરકારમાં રજુઆત કરી છે પરંતુ કોઈ સહાય પેકેજ મળ્યુ નથી. સુરતથી વતન સોૈરાષ્ટ્રમાં ફરી આવી રહેલા કારીગરો પણ સ્થાનિક સ્તરે હીરાની ઘંટીઓ ચાલુ થાય તો કામ મળે તેવા પ્રયાસો કરે છે. દરમિયાન સોૈરાષ્ટ્રમાં સારા વરસાદથી કેટલાક કારીગરો ખેતીમાં કામે લાગી જશે. છેલ્લા ચારેક મહિનામાં કારીગરો રોજગારીની આશાએ સુરત અને સોૈરાષ્ટ્ર વચ્ચે આવ - જા કરી રહયા છે પરંતુ સરકાર તરફથી કોઈ સહયોગ મળી રહયો ન હોવાનો રોષ રત્નકલાકારોમાં જોવા મળી રહયો છે.