રાજકોટની રાતની રંગત શરૂ થશે, બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન પૂરૂં, મનપા-ખાનગી જિમ તા.૫થી શરૂ થશે
- આજથી અનલોક-૩ નો અમલ શરૂ
- લોકોના ખર્ચે ને જોખમે અનેક છૂટછાટો
હવે રાત્રે બહાર નીકળવાની આઝાદી પણ કોરોનાથી ચેતજો
રાજકોટ, તા. 31 જુલાઈ, 2020, શુક્રવાર
સૌરાષ્ટ્રમાં જૂલાઈના આરંભે કોરોનાના કેસો ૧૦૦થી ઓછા નોંધાતા તે જૂલાઈ અંતમાં વધીને હાલ ૩૦૦ને પાર થઈ ગયા છે, રાજકોટમાં રોજ ત્રણ ચાર કેસો નોંધાતા તે હવે ૪૦થી વધુ નોંધાય છે, મહામારી વ્યાપક રીતે પ્રસરી ચૂકી છે અને વધુ જીવલેણ પણ બની છે તે સ્થિતિમાં આવતીકાલે અનલોક-૩નો અમલ શરૂ થશે. સરકારે અનલોક-૩માં જિમ ખોલવા, કર્ફ્યુ મુક્તિ સહિત વધારાની છૂટછાટો આપી છે પરંતુ, આ છૂટછાટોનો ઉપભોગ લોકોએ પોતાના ખર્ચે ને જોખમે કરવાનો રહેશે અર્થાત્ કોરોના આમ નાગરિકથી માંડીને મોટામાથા કોઈને છૂટ આપશે નહીં.
રંગીલા રાજકોટની રાત્રિની રંગત સાડા ચાર માસના બ્રેક બાદ આવતીકાલથી આંશિક રીતે શરૂ થશે સાથે પોલીસની કામગીરી જે વાહનો કર્ફ્યુ ભંગ બદલ રોકવાની હતી તે હવે વાહનોના ચેકીંગ, ટોળા ભેગા ન થાય તે જોવા માટે થશે. તો સોનીબજાર, પરાબજાર, દાણાપીઠ સહિતની બજારોએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર્યું તેની મુદત આજે પૂરી થતા આવતીકાલે રાત્રે ૮ સુધી તમામ દુકાનો ખુલ્લી રહેશે. હોટલો-રેસ્ટોરાં પણ રાત્રિના ૧૦ સુધી ખુલ્લા રહેશે. આ સાથે જ લોકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ પણ વધ્યું છે અને આ સમજીને અનેક લોકો છૂટછાટોનો મર્યાદિત ઉપયોગ જ કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં ખાનગી જિમ તા.૫થી શરૂ કરવા તૈયારીઓ શરૂ કરાઈ છે, રાજકોટનું ઈન્ડોર સ્ટેડિયમ માટે સભ્ય નોંધણી શરૂ કરાઈ છે પરંતુ, મનપાના રેસકોર્સ સહિત સ્થળે ચાલતા જિમ પણ ખોલાશે. સ્વીમીંગ પૂલ ખુલી નહીં શકે પણ નિયમ અનુસાર પૂલમાં આવેલા જિમ નિયમોને આધીન ખોલી શકાશે. ઉપરાંત વ્યવસાયિક અને નિઃશૂલ્ક ધોરણે ચાલતા યોગ કેન્દ્રો પણ શરૂ થશે. આવતીકાલથીબહાર નીકળનારા માસ્ક નહીં પહેરે તો રૂ।.૨૦૦ને બદલે રૂ।.૫૦૦નો દંડ કરાશે. રાજકોટમાં પોલીસ અને મહાપાલિકા બન્ને તંત્રોએ આ માટે કડક ઝૂંબેશ શરૂ કરવા નિર્દેશ આપ્યા છે.