બાબરાના કરિયાણા ગામે સ્વામિનારાયણ સાધુની હરકત સામે ગ્રામજનોનો પોકાર
ઝાડ કાપી નાંખી ડેમની જમીનમાં કબજો કરી નદીનાં વહેણને વાળી લીધાનો આક્ષેપ
ગ્રામજનો સાથે મારામારી કરી ખોટા કેસ કરે, જેસીબીથી ગેરકાયદે ખોદકામ કરવા સહિતના અનેક કરતૂતોથી કંટાળી મામલતદાર-પોલીસને આવેદન આપી કરી રજૂઆત
કરિયાણા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાસાદી સ્થાન મનાતા મીણબાઈમાનો ઓરડો છે. આ જગ્યામાં વર્ષોથી અંબાસણા પરિવાર સેવા પૂજા કરે છે. અને આ જગ્યા ગઢડા તાબામાં ગણવામાં આવે છે. આ જગ્યામાં છેલ્લા પાંચ વર્ષથી ધર્મપ્રિયદાસજી નામક સાધુ આવ્યા છે. અને કોઈ જાતની મંજૂરી કે ગ્રામજનો સાથે સંવાદ કર્યા વગર જમીન પર કબજો જમાવ્યો છે. તેમના દ્વારા મંદિર નજીક કાળુભાર નદી સહિત ફોરેસ્ટની જમીન અને કાળુભાર ડેમ હેઠળના વિસ્તારમાં જેસીબીથી ખોદકામ કરેલું છે. અને નદીના કુદરતી પ્રવાહને વાળી લીધો છે. ગ્રામજનોની માલિકીના ખેતરોની ખેતીની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરે છે. તેણે ઉંટવડ ગામે સીમમાં ેએક મંદિર પર કબજો જમાવ્યો છે. અને માલધારી પરિવાર સાથે માથાકૂટ કરી છે. આ સાધુએ સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદીના લીમડો પણ કાપી નાંખ્યો છે. તેમજ બીલી જેવા ઝાડને કાપી નાખ્યા છે. આ સાધુને સંપ્રદાયમાંથી કાઢી મુક્યા છે. કરિયાણામાં નીલકંઠમહાદેવ મંદિરના મહંત સાથે પણ અકારણ માથાકૂટ કરી હતી. અને દરેક સંપ્રદાય ધર્મના લોકો સાથે વેમનસ્ય કર્યું છે. ગામના અન્ય ધર્મસ્થાન મહાકાળી માતાજીનું મંદિર, ખોડીયાર મંદિર,પંચપીરની જગ્યા વગેરે જગ્યાએ ખોદકામ કરી દબાણ કબજો કર્યો છે આમ આ સાધુની સામે પગલાં લેવાની માગણી સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆતો કરી છે.