બગસરામાં નગરસેવકો દ્વારા નાણાંની લેતી-દેતીનો વીડિયો વાયરલ

Updated: Jan 23rd, 2023


વીડિયોમાં 'સાહેબ' શબ્દ કોના માટે ? ચર્ચા

પૈસાની ભાગ બટાઈનો વીડિયો જોઈ લોકોમાં તર્કવિતર્કઃ ઉપપ્રમુખ કહે છે પાલિકાને બદનામ કરવાનો પ્રયાસ છે

બગસરા :  બગસરા નગરપાલિકાના સદસ્યો દ્વારા પૈસાની વહેચણી બાબતે વાયરલ થયેલા વીડિયોને કારણે લોકોમાં અનેક તર્ક વીતર્ક ઊભા થયા છે. ખુલાસા માટે નગરપાલિકાના સદસ્યો તથા હોદ્દેદારો પણ મેદાનમાં આવી ગયા હતા.

વિગત અનુસાર બગસરા નગરપાલિકાના અમુક સદસ્યો પૈસાની લેણદેણ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ૨૦ સદસ્યો પૈકી ૧૯ સદસ્યોને દસ દસ હજાર રૃપિયા ફાળવવામાં આવતા હોવાની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ પૈસાની ભાગબટાઈ બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. શહેરમાં દિનભર આ વિડીયો બાબતે રાજકીય લોકોમાં જોર સોર થી થી ચર્ચા શરૃ રહી હતી. જેમાં સત્તાધારી પક્ષ વિરુદ્ધ અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જેના જવાબો આપવા માટે પાલિકાના હોદ્દેદારો તથા સદસ્યો પણ મેદાનમાં આવી ગયા હતા. આ સમગ્ર ઘટના બાબતે પાલિકાના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડાએ જણાવ્યું હતું કે આ વિડીયો ધારાસભાની ચૂંટણી પૂર્વેનો છે જેમાં સદસ્યોને પોતાના વિસ્તારમાં થયેલા વાહન, નાસ્તા, નાની- મોટી મીટીંગો વગેરેના ખર્ચ માટે રકમ આપવામાં આવી હતી. તે સમયનો આ વિડિયો છે જેને આજે અલગ રીતે રજૂ કરી પાલિકાને બદનામ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. જોકે આ વીડિયોમાં કોઇ સાહેબની પણ ચર્ચા થઈ રહી છે આ સાહેબ કોણ? તેવા પ્રશ્નો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. હાલ તો આ વીડિયોને કારણે બગસરાના રાજકારણમાં ઠંડીની વચ્ચે અચાનક ગરમાવો આવી ગયેલ છે.

    Sports

    RECENT NEWS