Get The App

ગરીબો માટે વનસ્પતિ ઘી પણ હવે મોંઘુ, સપ્તાહમાં રૂ.150નો વધારો!

- મોંઘવારી નિરંકુશ અને માલેતુજાર નેતાઓના તાગડધિન્ના

- વિરોધ પક્ષો નિરાશાની ખાઈમાં સુસ્ત,શાસક સત્તાના આકાશમા ઉડે અને જમીન પર લોકોનો મરો

Updated: Mar 13th, 2021

GS TEAM


Google News
Google News
ગરીબો માટે વનસ્પતિ ઘી પણ હવે મોંઘુ, સપ્તાહમાં રૂ.150નો વધારો! 1 - image


- પેટ્રોલ ડીઝલ,કેરોસીન, ગેસ, સિંગતેલ,કપાસિયા , ફરસાણ  સહિત તમામ ક્ષેત્રે સરકારના મૌન સાથે  મોંઘવારીનો વિકાસ

રાજકોટ 

ગૌરક્ષાની દાયકાઓથી મોટી મોટી વાતો વચ્ચે ગાય-ભેંસનું શુધ્ધ દેશી ઘી તો ગરીબો માટે વર્ષોથી દુર્લભ થયું છે હવે રોટલી પર ચોપડવા માટે નાછૂટકે વપરાતું વનસ્પતિ ઘી કે ડાલ્ડા ઘી પણ હવે મોંઘવારીના સમર્થક શાસકોના આંખ મિચામણાંથી દુર્લભ બનવા લાગ્યું છે. રાજકોટ વનસ્પતિ ઘી પંદર કિલો ડબ્બાના આજે રૂ।.૨૦ સહિત એક સપ્તાહમાં જ રૂ।.૧૫૦ નો ભાવ વધ્યો છે.

હજુ ગત તા.૬ માર્ચે જ રૂ।.૧૫૯૦થી રૂ।.૧૭૧૦ અને  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રૂ।.૧૫૦૦થી ૧૬૦૦માં મળતું વનસ્પતિ ઘીના આજે રૂ।.૧૭૨૦થી ૧૮૧૦ના ભાવે સોદા થયા છે. ઉલ્લેખનીય છે કે વનસ્પતિ ઘી એ એક પ્રકારે હાઈડ્રોજિનેટેડ રિફાઈન્ડ ઓઈલ છે જેમાં ટ્રાન્સફેટ હોય છે. જ્યારે આરોગ્યપ્રદ મનાતા દેશી ઘીમાં શરીરને ઉપયોગી કુદરતી સેચ્યુરેટેડ ફેટ હોય છે. છતાં જ્યારે રૂ।.૬૦૦થી ૧૨૦૦ના કિલો લેખે વેચાતું દેશી ઘી ન પરવડે ત્યારે ગરીબો વનસ્પતિ ઘીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, હવે તે પણ દુર્લભ બનવા લાગ્યું છે.

તો બીજી તરફ તા.૫ માર્ચે રૂ।.૧૯૪૫-૧૯૭૫ના ભાવે વેચાતા કપાસિયા તેલનો ભાવ આઠ દિવસમાં જ રૂ।.૧૪૦ વધારી દેવાયો છે અને આજે ડબ્બે વધુ રૂ।.૧૫નો વધારો થયો હતો.  આજે કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂ।.૨૦૬૦થી ૨૧૦૦એ પહોંચી ગયા છે. ગત વર્ષે આ જ સીઝનમાં સિંગતેલ આજના કપાસિયા કરતા પણ બસ્સો-ત્રણસો રૂ।.ઓછા ભાવે મળતું હતું. ઉલ્લેખનીય છે કે કપાસિયા તેલ પણ લોકો સિંગતેલ મોંઘુ લાગે, ન પરવડે તેના કારણે ખાતા થયા છે. 

તો પેટ્રોલ-ડીઝલના ભાવ માંગ પૂરવઠાના નિયમ મૂજબ નહીં પણ સરકારે ટેક્સ વધારીને  અસહ્ય વધારી દીધા છે. ઉપરાંત ઉપરાઉપરી રાંધણ ગેસના ભાવ વધ્યા છે, કેરોસીનનો ચૂલો પેટાવવો પણ મોંઘોદાટ થઈ ગયો છે. 

મોઘવારી લોકોને બધી બાજુથી ભરડો લઈ રહી છે છતાં વિરોધપક્ષો ચૂંટણીમાં જીત્યા નહીં તેથી લોકો પર દાઝ કાઢતા હોય તેમ સુસ્ત થઈ ગયા છે, તેમને જાણે નિરાશા ઘેરી વળી છે  તો કૂલ મતોના પચીસેક ટકા મતો મેળવીને વિજયોત્સવ ઉજવતા શાસકો એટલે અધ્ધર ઉડી રહ્યા છે કે જમીન પર મોંઘવારીએ લોકોની કેવી દર્દનાક હાલત  કરી છે તેનો અહેસાસ નથી. 

Tags :