વતન પ્રેમ યોજના, દાતાઓ કહે તેમ નહિ સરકાર નકકી કરે તે કામો થશે
- ધૂમ પ્રચાર સાથે જાહેર કરેલી યોજનામાં દાતાઓનો નબળો પ્રતિસાદ
- સરકારે પંચાયતોને ગાઈડ લાઈન આપી ગામડાઓમાં જરુરી વિકાસ કામોની યાદી તૈયાર કરવા સૂચના આપી
જુની યોજનાને નવા વાઘા પહેરાવી વતન પ્રેમ યોજના નામ આપવામાં આવ્યુ હતુ અને સરકારી અનુદાન દસ ટકા ઘટાડીને ૪૦ ટકા કરવામાં આવ્યુ છે. આ યોજનાનો હેતુ સારો છે કોઈ દાતા પોતાનાં વતનનું ઋણ અદા કરવા દાન આપી વિકાસ કામો કરવા માગતા હોય તો તે જેટલી રકમ આપે તેમાં સરકાર પણ યોગદાન આપે જેથી મોટા બજેટનાં સારા કામો થઈ શકે. પરંતુ કેટલીક સરકારી આંટીઘુટીઓને કારણે દાતાઓનો રિસ્પોન્સ હાલ ઓછો મળી રહયો હોવાનું પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાંવ્યુ હતુ.
સરકારે એવી ગાઈડ લાઈન જિલ્લા પંચાયતોને આપી છે કે જે ગામોમાં ખરેખર જે વિકાસ કામોની જરુર હોય તેની એક યાદી તૈયાર કરવામાં આવે. ખાસ કરીને શાળાના ઓરડાની ઘટ હોય તો તે કામોને અગ્રતા આપવી. દાતાઓ ૬૦ ટકા અનુદાન આપશે પરંતુ કયા વિકાસ કામો હાથ પર લેવા તે સરકાર નકકી કરશે. સામાન્ય રીતે આ યોજના હેઠળ કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓનાં ઓરડા, સ્મશાન ગૃહ, બસ સ્ટેશન ,તળાવ બ્યુટીફિકેશન જેવા કામો હાથ ધરવામાં આવશે. સરકારે ધૂમ પ્રચાર આ યોજનાનો કર્યો પરંતુ દાતા તરફથી કોઈ ખાસ રિસ્પોન્સ નથી મળી રહયો. રાજકોટ જિલ્લામાં એક વીરપુરમાં સ્મશાન ભઠર્નું કામ પ્રોસેસમાં છે હાલ ઈન્કવાયરી થઈ રહી છે.