નવરાત્રિના આયોજનો મોકૂફ રહેતા વાજીંત્ર બજાર સાવ શુષ્ક
- સૂર-તાલના સાધનોની સિઝન ટાણે જ વધ્યું કોરોનાનું સંક્રમણ
- દાંડિયારાસની પ્રેક્ટિસ પહેલાં તબલા-ઢોલક રીપેર કરાવવા થતી પડાપડી આ વર્ષે અદ્રશ્ય
રાજકોટ, તા. 17 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
''નવરાત્રિની સિઝન અમારા માટે આખા વર્ષમાં મહત્ત્વની હોય છે. રાસ-ગરબાની રમઝટ શરૂ થાય તે પહેલાં તબલા-ઢોલક-માંજીરા અને ખંજરી ખરીદવા લોકો વાજીંત્ર બજારમાંઆવે છે, પરંતુ આ વર્ષે તો કોરોનાને કારણે નવરાત્રિના રાસ-ગરબા ઉપર સ્વૈચ્છિક પાબંદી મુકી દેવામાં આવી હોય તેમ વાજીંત્રોની કોઈ પ્રકારની ખરીદી થતી નથી. વાજીંત્રો રીપેરીંગ કરાવવા પણ કોઈ દેખાતું નથી.''આ શબ્દો આજે રાજકોટની વાજીંત્ર બજારના આગેવાનોએ વ્યક્ત કરી કોરોનાને લીધે આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર સૌરાષ્ટ્રનાં તમામ ગરબી મંડળો દ્વારા રાજકોટમાં નવરાત્રિ પૂર્વે દર વર્ષે તબલા-ઢોલક-મંજીરા સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટતા હોય છે. અહીંના રામનાથપરા નજીક આવેલી વાજીંત્ર બજારમાં લોકો જૂના વાજીંત્ર રીપેર કરાવવા અને નવા વાજીંત્ર ખરીદવા માટે ઉમટતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જુદી-જુદી બજારોને જે મંદીનો ચેપ લાગ્યો છે તેની સૌથી વધુ અસર વાજીંત્ર બજાર ઉપર જોવા મળશે.
આ પ્રકારની વિગતો સાથે વાજીંત્રોના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકડાઉનને લીધે માર્ચ મહિના પછી મોટાભાગની બજારોની બંધ જેવી સ્થિતિ છે. અગાઉ બે-અઢી મહિના સુધી સળંગ તમામ બજારો બંધ રહી હતી. તેથી અન્ય બજારોની માફક વાજીંત્રોની બજારમાં પણ બધ રહી હતી. અત્યારે રાજકોટમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળે છે. દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જતી હોવાને લીધે બહારગામના લોકોની ખરીદી નહિવત જોવા મળે છે. ડરના કારણે લોકો રાજકોટ આવતા નથી. દુષ્કાળમાં અધિકમાસ હોય તેમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં નવરાત્રિના દિવસો દરમિયાન પરંપરાગત રીતે ગરબી યોજાતી હતી. તે આ વર્ષે મુલતવી રાખવામાં આવી હોવાનું જાહેર થતાં તબલા, ઢોલકા, મંજીરા, હાર્મોનિયમની સાથે ઈલેક્ટ્રીક ઝાલર સહિત તમામ વાજીંત્રોની બજારમાં કોઈ ખરીદનારા જોવા મળતા નથી. નવરાત્રિ પર્વની ઉજવણીનો ઉત્સાહ આ વર્ષે જાણે અશ્ય થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળે છે. જેના કારણે શુકનવંતુ સોળઆની વર્ષ હોવા છતાં બજારોમાં દિવાળી સુધી શુષ્ક માહોલ જોવા મળશે.