Get The App

ગામના પ્રશ્રો એકબાજુ રહી જતાં મદનપુરની ગ્રામસભામાં હોબાળો

Updated: Nov 30th, 2024

GS TEAM

Google News
Google News
ગામના પ્રશ્રો એકબાજુ રહી જતાં મદનપુરની ગ્રામસભામાં હોબાળો 1 - image

મહિલા સરપંચના સમર્થક અને વિરોધી સભ્યો સામસામે આવી ગયા

ગામ આખું ભાજપાનું સમર્થક, તાલુકા- જિલ્લાના ચૂંટાયેલા આગેવાનો ગામના તો'ય ગામમાં તૂટેલા રસ્તાઓ, ઉભરાતી ગટરા

ભુજ: નવી પંચાયત બની ત્યારથી સતત વિવાદમાં રહેલ આ સમૃધ્ધ ગામ મદનપુરમાં બોલાવાયેલ ગ્રામસભા શરુ થાય તે પહેલાં જ મહિલા સરપંચ પુનમબેનના સમર્ર્થક અને વિરોધી સભ્યોના બે પક્ષો ભ્રષ્ટાચાર અને મનમાની કરવાના પરસ્પર આક્ષેપો સાથે રીતસર સામસામે આવી જતાં વાતાવરણ બહુ જ ઊગ્ર બની ગયુ હતું અને અગાઉથી બોલાવી લેવાયેલ પોલીસે વધુ પડતી કડકાઈ વાપરીને હવે ગ્રામસભા નહીં થાય એવી પોતાની રીતે જાહેરાત કરીને બળજબરીથી લોકોને પંચાયત બહાર કાઢવાનો પ્રયાસ કરતાં ગટર, પાણી, રસ્તા, લાઇટ અને સફાઈ જેવા પ્રશ્રોની રજૂઆત કરવા આવેલાં અનેક લોકો વધુ ઉશ્કેરાઈ ગયાં હતાં.

વાતાવરણ થોડું શાંત થતાં સરપંચે સૌને બેસાડીને સભાનો પ્રારંભ કરાવતાં મહિલા તલાટીના મતે ઘર ઘર શૌચાલય, સંવિધાન દિવસ અને બાળ વિવાહ નિર્મુલન ના ઉપરથી આવેલ ત્રણ મુદાના એજન્ડાની જ ગ્રામસભા હોવાનું કહી સભાને પુરી જાહેર કરવાનો પ્રયત્ન થતાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાતાં છેલ્લા દોઢ મહિનાથી મંગાવવા પડતાં પાણીના મોંઘાં ટેન્કર સહિત લાંબા સમયથી સતાવતા પોતાના અનેક પ્રશ્રોની રજૂઆત કરવા આવેલ અસંખ્ય મહિલાઓ ફરી ઉશ્કેરાઈ જતાં સમજુ લોકોએ સૌને શાંત કરીને તલાટીને ગામના પ્રશ્નો સાંભળવાની રજૂઆત કરતાં સભાનું કામ આગળ ચાલી હતી અને સરપંચ સમર્થક બે મહિલા સભ્યો સીવાય બધા જ સભ્યોની ગેરહાજરીમાં આગળ વધેલ કાર્ર્યવાહીમાં અંગત કારણોસર મહિલા સરપંચને ગેરહાજર સભ્યોનો કોઈ જ સહકાર ન મળતો હોવાની વાત સાથે પંચાયત દ્વારા થયેલ કામોનાં અનેક બિલોના ચુકવણાં અટકેલાં હોવાનું અને નવા કામો અને કર્મચારીઓના પગાર ચુકવવા પૈસા ન હોવાનું કહેતાં આ બાબતે તલાટીને પોતાની સત્તા વાપરીને યોગ્ય કરવાનું કહેવામાં આવ્યું હતું અને આ વિષયે બધા જ સભ્યોની હાજરીમાં વધુ એક ગ્રામસભા બોલાવીને પરસ્પરના અંગત વિવાદો છોડીને ગામને કનડતી સમસ્યાઓ ઉકેલીને ગામને વિકાસના પાટે ચડાવવા સુચનો કરાયાં હતાં. 

સંપૂર્ણ ગામ સત્તાધારી ભાજપાનું સમર્થક, પંચાયતના સરપંચ અને બધા સભ્યો પણ ભાજપા સમર્થક, તાલુકા પંચાયત પ્રમુખ આ ગામમાંથી ચુંટાયેલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ પણ આ ગામના. આટલું બધું અનુકૂળ વાતાવરણ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી  તુટેલા રસ્તા, ઉભરાતી ગટરો, લાઇટના પ્રશ્નો અને પંચાયતમાં સામાન્ય દાખલા કાઢવામાં પણ લોકોના ચપ્પલ ઘસાઈ જાય એવી કઢંગી હાલતમાં લોકો જીવી રહ્યાં છે ત્યારે દરેક ચુંટણીમાં ખોબે ખોબા નહીં પણ સુંડલા ભરીને મત ઠાલવતાં આ ગામની આવી કફોડી હાલતની સૌને જાણ હોવા છતાં ઉપરના સૌ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ કેમ કોઈ ઉકેલ નથી લાવતા એ પ્રશ્ન અનેક ગ્રામજનોને સતાવી રહ્યો છે અને જો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારી કોઈ પણ ચૂંટણીમાં આ નારાજગી વિસ્ફોટ સાથે બહાર આવવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે.