ભાવનગર: સ્પોર્ટસ પર્સન રેમેડિયલ પરીક્ષા અંગે યુનિવર્સિટીનો નનૈયો
ભાવનગર, તા. 24 ઓક્ટોબર 2019, ગુરૂવાર
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય દ્વારા રાજ્યકક્ષાએ કે નેશનલ કક્ષાએ રમત ગમત કે કલ્ચરની વિશિષ્ટ પ્રતિભાની તારીખો સરખી આવતી હોય સૌરાષ્ટ્ર યુનિ.ની જેમ રેમેડીયલ પરીક્ષા ગોઠવવા માગણી યુનિ.એ ગ્રાહ્ય રાખી નથી જેથી વિદ્યાર્થી હિતમાં આગામ ઇસીમાં આ મુદ્દો મુકાય તેવા પ્રયત્નો હાથ ધરાઇ રહ્યાં છે.
મળતી વિગતો મુજબ યુનિવર્સિટીમાં સ્પોર્ટસ, એન.સી.સી. તેમજ કલ્ચર જેવા વિભાગોમાં ઉત્કૃષ્ટ અને કાબેલ નિવડેલ પ્રતિભાની પરીક્ષાના સમયકાળમાં જ રાજ્યકક્ષા કે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા યોજાય ત્યારે વિદ્યાર્થીઓ દ્વિધામાં મુકાય છે અને પોતાની પ્રતિભાના ભોગે પરીક્ષા આપવી કે પરીક્ષાના ભોગે પ્રતિભા વિકસાવવી તેવો સવાલ આવીને ઉભો રહે છે જેથી આવા વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ પર્સન રેમેડીયલ પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કોર્ટ સભ્ય દ્વારા યુનિવર્સિટીને કરાઇ હતી.
જો કે, આ મામલે તાજેતરમાં કુલસચિવે આ અરજી નિયમાનુસાર ગ્રાહ્ય રાખી શકાતી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે એક તબક્કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ અંગે ઠરાવો થયા છે અને આગામી પરીક્ષાઓમાં અમલી પણ કરવામાં આવનાર છે તો ભાવનગર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરનારી આ પ્રતિભાઓને સહકાર અને અનુકૂળતા આપવામાં ખચકાટ કેમ તેવો ગણગણાટ શરૂ થવા પામ્યો છે. જો કે, આ મુદ્દો ઇ.સી.માં લઇ જવા માટે પણ કોર્ટ સભ્ય કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યું છે.