- ઉત્સવના આરંભે ઘર આંગણે રંગોળી દોરાશે, આસોપાલવના તોરણ બંધાશે
- અંતિમ તબકકાની ખરીદી માટે શહેરની બજારોમાં બેકાબૂ ભીડના પગલે ઠેર ઠેર ચક્કાજામ, ધર્મસ્થાનકો અને સરકારી કચેરીઓ મનોહર રોશનીથી ઝળહળી ઉઠયા, લોકોમાં ભારે હર્ષોલ્લાસ
સવંત ૨૦૭૮ ના વર્ષના આખરી દિવસો અંતગર્ત આવતીકાલ તા. ૨૮ ઓકટોબરને સોમવારે રમા એકાદશીની પવિત્ર તિથિથી ઉજાશના મહાપર્વ દિપોત્સવીના તહેવારનો શુભારંભ થતો હોય નગરજનોમાં આ પ્રકાશપર્વે દિપાોત્સવીને હરખભેર આવકારવા માટે ગજબનો હર્ષોલ્લાસ અને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સોમવારે આસો સુદ અગીયારસે રમા એકાદશી પણ છે રવિવારે અગિયારસની વૃધ્ધિ તિથિ હતી. પંચાગ મુજબ સોમવારે રમા એકાદશી, વાઘબારસ પણ હોય આ દિવસે એકાદશી, વાઘબારસના બંને તહેવાર સાથે ઉજવાશે. આ તહેવારની મન મુકીને ઉજવણી કરવા માટે આખરી તબકકાની ખરીદી માટે શહેરની પીરછલ્લા શેરી, વોરાબજાર, દિવાનપરા રોડ, એમ.જી.રોડ, હેરીસ રોડ, નાણાવટી બજાર, ગોળબજાર, કાળાનાળાથી લઈને વાઘાવાડી રોડ થઈને પાણીની ટાંકી સુધી, આંબાચોક સહિતના તમામ કોમર્શિયલ વિસ્તારોમાં શહેરીજનો પરિવારજનો સાથે હોંશે હોંશે ઉમટી રહ્યા છે. જેના પગલે બજારોમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ, ચક્કાજામ અને તળાજા રોડ, રાજકોટ રોડ, નારી ચોકડી સહિતના હાઈવે પર છાસવારે ટ્રાફિકજામના દ્રશ્યો રોજીંદા થયા છે. આવતીકાલે સોમવારે રમા એકાદશીની સાથે દિપોત્સવીની પર્વમાળા શરૂ થઈ રહી હોય સવારે દિપોત્સવીની પર્વમાળાને આવકારવા માટે હિન્દુ પરંપરા મુજબ ઘર, ધર્મસ્થાનક, ઓફિસ, સોસાયટીની બહાર અવનવી ચિત્તાકર્ષક રંગોળી કરવામાં આવશે. તદઉપરાંત રહેણાંકના દ્વાર ઉપર મંગલકાર્યના પ્રતિક રૂપે આસોપાલવનું તોરણ બાંધી વિધિવત અબીલ ગુલાલ અને કંકુચોખાથી ઉમરાપૂજન કરી ગૃહિણીઓ દ્વારા આરતી ઉતારાશે. આ સાથે ઉમરા ઉપર લાભ, શુભ, લક્ષ્મીપગલા તેમજ સ્વસ્તિકના સ્ટીકર લગાવી અથવા તેના ચિન્હ કરી આ મહામંગલકારી ઉત્સવના હરખભેર વધામણા કરવામાં આવશે. જયારે રાત્રીના અરસામાં ઘરની બહાર, ઓસરી, ગેલેરી, ધાબાની પાળીઓ ઉપર દિપકો પ્રગટાવાશે. આ સાથે ઘરે ઘરે દિપક પ્રગટાવાની સાથોસાથ અવનવી ડિઝાઈનની રંગબેરંગી રોશનીઓવાળી સીરીઝ, ઈલેકટ્રોનિકસ દિવડાની સીરીઝ લગાવવાની વર્ષોજુની પરંપરા આજની તારીખે પણ યથાવત રહેલી છે. સોમવારે દિપોત્સવીના તહેેવારના આરંભની સાથે જ ગોહિલવાડમાં અત્ર, તત્ર અને સર્વત્ર ઉત્સવનો અનેરો માહોલ જામશે. ગઈકાલથી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ દિવાળીના મીની વેકેશનનો પ્રારંભ થયેલ છે. આ ધર્મોત્સવને પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવવા માટે ગોહિલવાડમાં આબાલવૃધ્ધ સૌ કોઈમાં ભારે ઉત્સુકતા જણાઈ રહી છે.
ધર્મસ્થાનકોમાં દિપદર્શનનો ભારે મહિમા
દિવાળીના તહેવારોમાં ધર્મસ્થાનકોમાં દિપદર્શનનો વિશેષ મહિમા વર્ણવાયો છે. ભગવાન દામોદર સમક્ષ કારતક મહિનામાં દિપ બતાવવામાં આવે તો તેનું સહસ્ત્રગણુ ફળ મળે છે આથી ઈસ્કોન મંદિર સહિતના ધર્મસ્થાનકોમાં દિપદર્શન થાય છે. જયારે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં દિવાળીના તહેવારોમાં દિપદાન મનોરથ અને દિપમાલિકાના દર્શનનું આયોજન કરવામાં આવશે.


