Get The App

પાટડીના નાની મજેઠી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : છ વ્યકિતને ઇજા

Updated: Apr 5th, 2022

GS TEAM


Google News
Google News
પાટડીના નાની મજેઠી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : છ વ્યકિતને ઇજા 1 - image


અગાઉ થયેલી પોલીસ ફરિયાદના મામલે પતિ, પત્ની અને પુત્રી ઉપર હુમલો કરાયો ઃ અઢાર વ્યક્તિઓ સામે સામસામી પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના નાની મજેઠી ગામે અગાઉની પોલીસ ફરિયાદનીં દાઝ રાખીને બાર શખ્સોએ પતિ - પત્ની અને પુત્ર ઉપર હુમલો કરી માર મારતા ત્રણેયને સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યા હતાં.

નાની મજેઠી ગામે રહેતા કાળુભાઈ શિવાભાઈ મકવાણાએ અગાઉ ગામના જીવણભાઈ જગાભાઈ પનારા વિરૃધ્ધ બજાણા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેની દાઝ રાખીને કાળુભાઈનો દીકરો પ્રકાશ જીવણભાઈના ઘર પાસેથી બાઈક લઈને નીકળતા તેની સાથે જીવણભાઈએ બોલાચાલી કરીને અહીંથી કેમ નીકળે છે.? તેમ કહી ઝગડો કરી લાકડીથી હુમલો કર્યો હતો. આ અંગે કાળુભાઈ પ્રકાશને લઈને ઠપકો આપવા જતા થયેલી બોલાચાલીમાં જીવણભાઈ અને તેમના કુટુંબીઓએ ધારિયા, લાકડી અને પાઈપથી હુમલો કર્યો હતો. તેમાં કાળુભાઈ તેમના પત્ની હિરાબેન અને પુત્ર પ્રકાશને ઈજાઓ પહોંચાડતા ત્રણેયને સારવાર માટે વિરમગામ ખાતે લઈ જવાયા હતાં.

આ અંગે કાળુભાઈએ બજાણા પોલીસમાં જીવણભાઈ જગાભાઈ પનારા, જસીબેન, દર્શન જીવણભાઈ, ધરતીબેન, મુકેશ જગાભાઈ, લાભુબેન, જગાભાઈ રામાભાઈ, વશરામ રામાભાઈ, કમુબેન જગાભાઈ અને હિતેષ સોંડાભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ. હાથ ધરી છે. જ્યારે સામાપક્ષે જીવણભાઈ જગાભાઈ પનારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા નજબ હકીકત એવી છે કે, મારા ઘર પાસે કડીયા કામ ચાલતું હતું ત્યારે કાળુભાઈ અને હીરાબેન બાઈક ઉપર નીકળતા બાઈક સ્લીપ થતા થયેલી બોલાચાલીમાં કાળુભાઈ, હિરાબેન તથા તેમના પુત્ર પ્રકાશે અને પુત્રી ભગીબેને લાકડી પથ્થરથી હુમલો કરીને ઈજા કરતા જીવણભાઈ તેમના પત્ની જસીબેન તથા પુત્રી ધરતીને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતાં.

આ બનાવમાં જીવણભાઈએ કાળુભાઈ શિવાભાઈ, હિરાબેન, પ્રકાશ શિવાભાઈ, આકાશ શિવાભાઈ, લાલજી શિવાભાઈ, શિવાભાઈ ખોડાભાઈ, લાલજીભાઈના પત્ની અને ભગીબેન કાળુભાઈ સામે બજાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :