જામનગર જિલ્લામાં કોરોનાના કારણે વધુ બે દર્દીઓએ દમ તોડયો: જિલ્લામાં મૃત્યુનો આંક 35નો થયો
- જામનગરના 75 વર્ષના વયોવૃદ્ધનું જીજી હોસ્પિટલના બિછાને મૃત્યુ: જામજોધપુરના એક દર્દીએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો
જામનગર, તા. 25 જુલાઈ 2020 શનિવાર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો વિકરાળ પંજો યથાવત રહ્યો છે, ત્યારે જામનગરના એક વયોવૃદ્ધ દર્દીએ જીજી હોસ્પિટલના બિછાને દમ તોડયો છે, ઉપરાંત જામજોધપુરના એક દર્દીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં રહેતા અબ્દુલ ભાઈ સતારભાઈ મોગલ નામના 75 વર્ષના વયોવૃદ્ધને કોરોનાની બીમારીના કારણે સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમા દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ નિપજયું છે. જામનગર શહેરમાં કોરોના ના કારણે 26મું મૃત્યુ થયું છે.
તેજ રીતે જામજોધપુરમા રહેતા 72 વર્ષના બુઝુર્ગ કોરોનાગ્રસ્ત બન્યા હતા અને તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ગઈ કાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જામનગર જિલ્લામાં ફુલ મૃત્યુનો આંક 35નો થયો છે.