રાળગોન ગામે વે૫ારીને બે શખ્સે ઈંટના ઘા ઝીક્યાં
અમે દારૂનું કટિંગ કરતા હોવાની ખોટી વાતો કેમ કરે છે ?
પોલીસ આરોપીઓને દબોચવા ગઈ ત્યાં એક શખ્સની આરોપીની બાઈકમાંથી વિદેશી દારૂ મળ્યો
ભાવનગર: તળાજા તાલુકાના રાળગોન ગામે બે શખ્સે દુકાનમાં ઘૂસી વેપારીને ઈંટના ઘા ઝીંકી દઈ લોહિયાળ ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસ બન્ને શખ્સને પકડવા ગઈ ત્યારે શખ્સો તો નાસી ગયા હતા. પરંતુ એક આરોપીની બાઈકમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા બાઈક અને દારૂની બોટલ કબજે લઈ તેની વિરૂધ્ધ પ્રોહિ. એક્ટ મુજબ પણ અલગથી ગુનો દાખલ કર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તળાજાના રાળગોન ગામે રહેતા અને શ્રીફળ-પૂજાપાની દુકાન ચલાવતા ઘનશ્યામપરી ભીખાપરિ ગોસ્વામી (ઉ.વ.૩૯) ગઈકાલે બુધવારે રાત્રિના સમયે પોતાની દુકાને હતા. ત્યારે ભયલુ ટીસુભા ગોહિલ અને શક્તિસિંહ બાવુભા ગોહિલ (રહે, રાળગોન) નામના બે શખ્સે તેઓની દુકાનમાં આવી અમે દારૂનું કટિંગ કરીએ છીએ તેવી અમારી ખોટી વાતો કેમ કરે છે ? તેમ કહીં બોલાચાલી કરી કપાળના ભાગે ઈંટના ઘા મારી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ઘનશ્યામપરિ ગોસ્વામીએ બન્ને શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૪, ૪૫૨ ,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાનમાં તળાજા પોલીસનો સ્ટાફ આજે સવારના ૧૧-૪૫ કલાકના સમયે મારામારી કેસના બન્ને આરોપીઓની ધરપકડ કરવા માટે રાળગોન ગામે ગયો હતો. ત્યારે ભયલુભા ગોહિલ નામનો શખ્સ ઘરે હાજર મળી ન આવતા તેની દુકાન સામે પાર્ક કરેલ શખ્સની બાઈક નં.જીજે.૦૪.ડીએચ.૨૪૬૧માં તલાશી લેતા થેલામાં રાખેલી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે બાઈક અને દારૂની બોટલ કબજે લઈ ભયલુભા રણજીતસિંહ ઉર્ફે ટીસુભા ગોહિલ નામના શખ્સ સામે પ્રોહિ. એક્ટની કલમ આઈપીસી ૬૫ (એ) (એ), ૧૧૬-બી, ૯૮ (ર) મુજબ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.