કુમુદવાડીમાં બેવડી હત્યા કરી હિરા લૂંટ કરનારા ૩ શખસને આજીવન કારાવાસ
ભાવનગર, તા. 05 નવેમ્બર 2019, મંગળવાર
આજથી પોણા બે વર્ષ પૂર્વે ભાવનગરના કુમુદવાડી વિસ્તારના હિરાના કારખાનામાં સુવા માટે આશરો મેળવી ત્રણ શખસોએ બે રત્નકલાકાર યુવાનની કરપીણ હત્યા કરી લાખોના હિરા લૂંટ ચલાવતા ચકચાર છવાઇ જવા પામી હતી. જે મામલે આજે સેકન્ડ એડીશ્નલ સેશન્સ જજશ્રીએ ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરાવી આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને હાલ ભાવનગરના કુમુદવાડી વિસ્તારમાં નિલકંઠ સોસાયટીની સામેના ભાગે આવેલ ઘનશ્યામભાઇ રામજીભાઇની માલીકીના કારખાનામાં હિરા ઘસવાનો વ્યવસાય કરતા અનીલભાઇ દિલીપભાઇ મકવાણા અને ચંદુભાઇ નારશંગભાઇ કુંભાણી બન્ને રત્નકલાકાર ગત તા. 26-06-2017ના રોજ પોતાના કારખાને હતા.
તે વેળાએ રાત્રીના સુમારે મહેશ ભદુરભાઇ કટકીયા (ઉ.વ.33, રે.મુળ દેવળીયા, તા.રાણપુર, હાલ કતારગામ, લલીત ચોકડી-સુરત), દિલીપ રમણીકભાઇ ચાવડા (ઉ.વ.32 રે.લીંબડી, જિ.સુરેન્દ્રનગર, હાલ સરીતા સોસાયટી શેરી નં.8) ઘનશ્યામ ઉર્ફે ઘનો પ્રભુભાઇ દલવાણીયા (ઉ.વ.33, રે.હાલ ઘનશ્યામનગર વરાછા સુરત, મુળ જોબાળા તા.ચુડા) ત્રણેયે આવી કારખાનુ ખખડાવી સુવા માટે જગ્યા આપવાનું કહેતા અનિલભાઇ અને ચંદુભાઇએ ઘનશ્યામ પરિચીત હોવાના કારણે આશરો આપ્યો હતો.
દરમિયાન બન્ને રત્નકલાકાર નિદ્રાધીન હતા તે વેળાએ ઉક્ત ત્રણેય શખસોએ એકસંપ કરી બન્નેને જીવલેણ હત્યાના ઘા મારી હત્યા કરી ટેબલના ખાનામાંથી કાચા તેમજ તૈયાર રૂ.૩ લાખના હિરાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. ઉક્ત બનાવ અનુસંધાને સરીતા સોસાયટીની શેરી નં.3માં રહેતા ઘેલાભાઇ ભીખાભાઇ વેગડે ફરિયાદ નોંધાવતા પોલીસે IPS 302, 397, 114, જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો.
ઉક્ત કેસ આજરોજ ભાવનગરના સેકન્ડ એડીશ્નલ સેસન્શ જજશ્રી એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા 30 મૌખિક પુરાવા, 50 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિએ ત્રણેય આરોપીઓ મહેશ ભુદરભાઇ કટકીયા, દિલીપ રમણીકભાઇ ચાવડા અને ઘનશ્યામ ઉર્ફે ઘનો પ્રદિપભાઇ ધલવાણીયાને તકસીરવાન ઠેરવી IPC 302 મુજબના ગુનામાં આજીવન કેદ અને રૂા. 50000નો દંડ, IPC 397 મુજબના ગુનામાં 10 વર્ષની કેદ અને 20 હજારનો દંડ, IPC કલમ 357(1)(A) મુજબ દંડની રકમ પૈકી 75 હજાર વસુલ આવે મૃતક અનિલભાઇ તેમજ ચંદુભાઇના માતાપિતાને વળતર તરીકે ચુકવી આપવા હુકમ કર્યો હતો.