લોધીકા અને ભાવનગરમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ
- તાલાલનાં જંગલમાં ભારે વરસાદથી હીરણ નદીમાં પુર
- વઢવાણમાં દોઢ, ઉના ગ્રામ્યમાં એક, રાજકોટ અને મોરબીમાં અડધો ઈંચ
અન્યત્ર છૂટા - છવાયા શ્રાવણી સરવડાં
રાજકોટ, તા. 22 જુલાઈ, 2020, બુધવાર
સૌરાષ્ટ્રમાં થોડા વિરામ બાદ આજે ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને છૂટા છવાયા શ્રાવણી સરવડાં વરસ્યા હતાં. જો કે, આજે લોધીકા અને ભાવનગરમાં ધોધમાર અઝઢી ઈંચ વઢવાણમાં દોઢ ઈંચ, ઉના ગ્રામ્યમાં એક, રાજકોટ અને મોરબીમાં અડધો ઈંચ વરસાદ વરસી પડતાં માર્ગો પાણી પાણી થઈ જવા સાથે ગરમીમાં રાહતમ ળી હતી. બીજી તરફ તાલાલાનાં જંગલમાં ભારે વરસાદથી હીરણ નદીમાં પુર આવ્યું હતું.
રાજકોટ શહેર સહિત જિલ્લામાં આજે સવારથી આકાશમાં વાદળોની અવર જવર ચાલુ રહી હતી. સમયાંતરે ઝરમર ઝાપટા વરસ્યા હતાં. રાજકોટમાં સાંજે ૬ વાગ્યે જોરદાર ઝાપટા સાથે અડધા ઈંચ જેવો વરસાદ વરસી ગયો હતો. જયારે લોધીકામાં બપોરે ૪ વાગ્યે ધોદમાર વરસાદ ચાલુ થયો હતો. અને આઠ વાગ્યા સુધીમાં અઢ ીઈંચ વરસી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. એ જ રીતે આજે મોરબીમાં બપોરે બે વાગ્યા બાદ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભાવનગર જિલ્લામાં પણ આજે છૂટા છવાયા ઝાપટા વરસ્યા હતાં જેમાં ભાવનગરમાં બપોરે ૪ ચાર વાગ્યે મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને અઢી ઈંચ વરસી જતાં નીચાણવાળા વિસ્તારો જળબંબોળ થયા હતાં. એ જ રીતે વઢવાણમાં પણ ૪ વાગ્યા બાદ ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો હતો. બીજી તરફ આજે તાલાલામાં આકરો તાપ હતો, પણ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી હીરણ નદીમાં પુર આવતા લોકો આશ્ચર્ય સાથે જોવા ઉમટયા હતાં.
સૌરાષ્ટ્રમાં આજે લીલીયા, ધ્રોલ, વિસાવદર, પાલિતાણા, સિહોર, ગઢડા, રાણાવાવ, ગારીયાધાર, ઘોઘા, ઉમરાળા, કાલાવડ રાણપુરમાં પણ હળવા ભારે શ્રાવણી સરવડા વરસ્યા હતાં.
ખંભાળિયા તાલુકામાં વરસી ગયેલા ૫૪ ઈંચ જેટલા ભારે વરસાદ પછી છેલ્લા કેટલાક દિવસો થયા મેઘ વિરામ રહ્યો છે. આ સાથે વાતાવરણમાં ઉકળાટ તથા બફારા વચ્ચે ગરમીનું જોર યથાવત રહ્યું છે. આ પરિસ્થિતિમાં ગઈકાલે મંગળવારે રાત્રે તથા આજે બુધવારે સવારે ૧૧ વાગ્યે ખંભાળિયામાં વરસાદના હળવા ઝાપટા વરસી જતાં શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતાં.
ગીરગઢડા તાલુકાનાં બાબરીયા, થોરડી, ભાખા, ઝાંખીયા, કોદીયા, ફરેડા વિગેરે ગ્રામ્ય અને જંગલ વિસ્તારમાં બપોરનાં સમયે આકાશ કાળા વાદળોથી ઘેરાી ગયું હતું. અને ધોધમાર વરસાદ વરસવા લાગતા બે કલાકમાં એક ઈંચ વરસી ગયો હતો. ઉના શહેરમાં સવારે એક માત્ર ઝાપટુ વરસી ગયું હતું.