ભાવનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર
મોંઘવારી, મંદી સહિતના પ્રશ્ને જનચા ત્રાહિમામ પોકારી ગઈ છે. સરકાર દ્વારા રોજગારી અને વિકાસના ઠાલા વચનો અપાયા છે. ત્યારે પ્રજાની વેદના અને પ્રજાની સમસ્યાના મુદ્દે ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવતું જનઆંદોલન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુરૂવારે શહેરના ઘોઘાગેટ ચોકમાં જનવેદનાનો આક્રોશ ઠાલવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, મંદી, બેરોજગારી, અતિવૃષ્ટિ, ખેડૂતના પ્રશ્ન સહિતના પ્રશ્નને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ ભાજપની સરકારને આડેહાથ લઈ એવો આક્રોશ ઠાલવ્યો હતો કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે પ્રજા હાડમારી ભોગવી રહી છે. દરેક ધંધામાં મંદીનો માહોલ છે.
બેરોજગારી અને બેકારીનો ગ્રાફ કૂદકે ને ભુસકે ઉપર જઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસનો ભાવ વધવાથી મોંઘવારીએ માજા મુકી છે. બેન્કોના કૌભાંડોથી બેન્કો ઉપરથી લોકોનો ભરોસો ઘટી ગયો છે. સરકારી શાળા કોલેજોને તાળા લાગી રહ્યા છે. ખેતી પ્રધાન દેશના ખેડૂતો દેવાદાર બની આત્મહત્યા કરી રહ્યા છે. પાક વીમા યોજનામાં ખેડૂતોને વળતર અપાવવાના બદલે વીમા કંપનીઓ નફો કરી રહી છે. સુકા પાછળ લીલો દુષ્કાળ ખેડૂતોને બર્બાદ કરી રહ્યો છે. ખાનગીકરણના રવાડે ચડેલી સરકારે દેવાળિયાપણું સાબિત કરી દીધું છે.
ભાવનગર જિલ્લામાં રોજગારીના નવા સ્ત્રોત ઉભા ન થવાની જગ્યાએ જે ઉદ્યોગ-ધંધા હયાત છે તેને પણ તાળા લાગી રહ્યા છે. પરિણામાં ભાવનગર જિલ્લો ગામડું બનતો જઈ રહ્યો છે. આ ઉપરાંત પ્રજાની અન્ય એનક વેદના અને સમસ્યા પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકાર દુર્લક્ષ સેવી રહી હોવાના આક્ષેપ કોંગ્રેસ કર્યા હતા. આવેદન અને ધરણાંના કાર્યક્રમ માધ્યમથી કોંગ્રેસે જનાક્રોશ અને જન વેદના રજૂ કરી હતી.


