Gujarat

ભરતનગર ચોકડી પાસે મંદિર નજીક આડેધડ વૃક્ષો કપાતા ઢોર બગલાના 60 માળાનું નિકંદન

By GS Team
4 Aug 20222 mins read
This article was originally published on 4 Aug 2022
ભરતનગર ચોકડી પાસે મંદિર નજીક આડેધડ વૃક્ષો કપાતા ઢોર બગલાના 60 માળાનું નિકંદન

ભાવનગર

શહેરના ભરતનગર ચોકડીથી તળાજા જકાતનાકા તરફ જતા શિવ મંદિર પાસે આજે કોઇપણ જાણ કર્યાં વગર વડ અને પીપરના વૃક્ષોનું આડેધડ કટીંગ કરી નાખતા ઢોર બગલાના અસંખ્ય માળા પણ તુટી પડયા હતાં અને ૧૫ થી ૨૦ બચ્ચાનું સ્થળ પર મૃત્યુ થયું હતું. જ્યારે ૩૦ બચ્ચાને સારવાર માટે ખસેડાયા હતાં.

ઘણીવાર સુવિધા અને અડચણરૂપ વૃક્ષોનું કટીંગ કરવામાં આવતું હોય છે પરંતુ તે પૂર્વે વૃક્ષમાં આશરો લઇ રહેલા પક્ષીઓનો વિચાર કરવો જરૂરી હોય છે. શહેરના ભરતનગર ચોકડીથી તળાજા જકાતનાકા તરફ જતા આવેલ ભરતેશ્વર મહાદેવ મંદિર અને આંગણવાડીની બાજુમાં વડલા અને પીપરના ઘટાટોપ વૃક્ષો લાંબા સમયથી હતા જેનું એકાએક મશીન દ્વારા આડેધડ કટીંગ કરાતા વૃક્ષનો આશરો લઇ માળા બાંધેલ ઢોર બગલાના માળા પીંખાઇ ગયા હતા અને મોટી ડાળીઓ નીચે બગલાના બચ્ચા દટાયા હતા જે અંગે જાણ થતા રાજહંસ નેચરલ કલબના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી ૬૫ જેટલા બચ્ચાઓને બચાવવા કવાયત હાથ ધરી હતી પરંતુ ૧૫ થી ૨૦ બચ્ચા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતાં તો ૨૦ બચ્ચા મેચ્યોર થયેલ હોય વિકટોરીયા પાર્કમાં છોડી મુકાયા હતાં અને ૩૦ને સારવારની જરૂર જણાતા વન વિભાગની પરવાનગી સાથે સારવાર અર્થે ખસેડાયા હતાં. આમ એક તરફ વૃક્ષારોપણની અપીલ કરી અનેકવિધ નવતર કાર્યક્રમો થઇ રહ્યા છે તો બીજી તરફ આવા વૃક્ષોનું નિકંદન અને તે પણ પક્ષીઓના ભોગે થઇ રહ્યું છે ત્યારે જવાબદાર તંત્રના આંખે પાટા બાંધેલા હોય તેવું ભાસી રહ્યું છે.