અમદાવાદથી દિવ જતી ટ્રાવેલ્સની ગુલાંટ: યુવતીનું મોત, 20ને ઇજા
- ભાવનગર-મહુવા હાઇવે પર જાગધાર નજીક અકસ્માત
- નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીઓ સહિતના ઇજાગ્રસ્ત મુસાફરોને સારવારમાં ખસેડાયા: તળાજા, મહુવા, લોંગડી 108 સાથે પોલીસ કાફલો દોડી ગયો
ભાવનગર,21 ડીસેમ્બર 2019 શનિવાર
ભાવનગર-મહુવા હાઇવે પર આજે શનિવારે અમદાવાદથી દિવ તરફ જતી ટ્રાવેલ્સ રોડ પરથી ઉતરી ખાળીયામાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવતીનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે નિરમા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સહિત ૨૦ને ઇજા પહોંચતા ભાવનગર અને મહુવા સારવારમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તળાજા, મહુવા, લોંગડી ૧૦૮ સાથે પોલીસ કાફલો દોડી ગયો હતો અને લોકો ઉમટી પડયા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદથી જલારામ ટ્રાવેલ્સ નં.જીજે-૦૧-ડી.ઝેડ-૯૭૭૧ ગત રાત્રિના નિકળી દિવ જઇ રહી હતી તે વેળાએ ભાવનગર-મહુવા હાઇવે પર આવેલ બોરડા ગામથી આગળ જાગધાર નજીક આજે વહેલી સવારે ૪ કલાકના અરસા દરમિયાન ટ્રાવેલ્સ રોડ પરથી ઉતરી જઇ ખાળિયામાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ચીચીયારીથી આકાશ ગુંજી ઉઠયું હતું અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી ગયા હતાં. બસની અંદર ફસાયેલ નિરમા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સહિત ૨૦ મુસાફરોને હેમખેમ બહાર કાઢી તળાજા, મહુવા અને લોંગડી ૧૦૮ મારફતે મહુવા તેમજ ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે બનાવની જાણ થતા દાઠા પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
દરમિયાન ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અમદાવાદ ગોદરેજ ગાર્ડન સામે રહેતા શિવરાબેન શૈલેષસિંગ (ઉ.વ.૨૩)નું આજે સવારે ૯.૩૦ કલાકના સુમારે મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય આરસીબેન દિલીપભાઇ પવારા (ઉ.વ.૨૩, રે.મહાકાલ વાણીજ્ય કેન્દ્ર, નાનાખેડા, ઉજ્જેન, રા.એમ.પી.)ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી અને દાઠા પોલીસે કેસકાગળ હાથ ધર્યાં હતાં.