- દર વર્ષે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉઠે છે છતા યોગ્ય પગલા લેવાતા નથી
- શહેરના વાઘાવાડી, રેલ્વે સ્ટેશન રોડ, સંસ્કાર મંડળ, કુંભારવાડા, નિલમબાગ સહિતના વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા
ભાવનગર શહેરમાં આજે મંગળવારે બપોરના સમયે થોડીવાર માટે ધોધમાર વરસાદ આવતા જ વાઘાવાડી, રેલ્વે સ્ટેશન, અલકા ટોકીઝ, કુંભારવાડા, સંસ્કાર મંડળ, નિલમબાગ, ભરતનગર, વિઠ્ઠલવાડી, શાસ્ત્રીનગર, હાદાનગર સહિતના વિસ્તારના રોડ પર વરસાદી પાણી ભરાયા હતા તેથી લોકો પરેશાન થઈ ગયા હતાં. કેટલાક રોડ પર ગોઠણ ગોઠણ સુધી પાણી ભરાયા હતા તેથી વાહન ચાલકો રોડ પરથી પસાર થતા પણ ફફડતા હતાં. વરસાદી પાણી ભરાતા અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે મહાપાલિકાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે. નીચાણવાળા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે અને આ બાબતે સ્થાનીક રહીશો દ્વારા મહાપાલિકાને રજુઆત પણ કરવામાં આવે છે છતા યોગ્ય પગલા લેવામાં આવતા નથી.
વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ લાઈન નાખવી જરૂરી છે પરંતુ કેટલાક વિસ્તારમાં સ્ટ્રોમ લાઈન જ નથી તેથી લોકો પરેશાન થઈ રહ્યા છે. થોડા વરસાદમાં જ રોડ પર પાણી ભરાય છે ત્યારે ચાર-પાંચ ઇંચ વરસાદ આવે તો સ્થિતી કફોડી થવાની ભીતિ રહેલી છે. કેટલાક વિસ્તારમાં વરસાદ બાદ પણ પાણી ભરાયેલા હોય છે ત્યારે આ પાણીનો તત્કાલ નિકાલ થાય તે માટે યોગ્ય આયોજન કરવુ જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.


