સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારોની સિઝનમાં ટૂર ઓપરેટરો નવરાંધૂપ
- ફરવા જવાના શોખીન સૌરાષ્ટ્રવાસીઓને કોરોનાએ કેદ કર્યા
- રાજકોટમાં ૩૫૦ ટૂર્સ ટ્રાવેલર્સની ઓફિસોને તહેવારો ટાણે તાળાં લાગ્યાં
રાજકોટ, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી અને રક્ષાબંધનનાં તહેવારો પર સૌરાષ્ટ્રનાં હરવા ફરવાનાં શોખીન લોકો પેકેજ ટૂરનાં પ્લાનિંગમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. મોટા ભાગનાં લોકો જન્માષ્ટમીનાં તહેવારો પર પરિવાર સાથે રજાઓની મજા માણવા માટે ઘરેથી બહાર ફરવા નીકળી જતા હોય છે પણ આ વર્ષે કોરોનાનાં કારણે માહોલ બદલાયો છે. લોકો બહાર જવાના બદલે ઘરે રહીને તહેવારોની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યાં છે. સૌથી મોટી ્સર ટૂર્સ ટ્રાવેલર્સ ઓપરેટર્સને થઈ છે. આ સમયગાળામાં તેમને પીક સિઝન હોય છે પરંતુ હાલ તેમની ઓફિસને જ તાળા લાગી ગયા છે.
જન્માષ્ટમીનાં તહેવારો પર પાંચ સાત દિવસ સુધી રજાનો માહોલ આખા ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ જોવા મળતો હોય છે. સાતમ આઠમનાં લોકમેળા મંદિરો દરિયા કિનારાનાં સ્થળોએ માનવ મહેરામણ ઉમટતુ હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતા લોકોનો શ્રાવણ મહિનાનો તહેવારોનાં ઉત્સાહમાં ઓટ આવી ગઈ છે.
છેલ્લા થોડા વર્ષોથી રાજકોટ સૌરાષ્ટ્રનાં લોકોમાં સાતમ આઠમનાં તહેવારો પર રાજસ્થાન, ગોવા, દિલ્હી, હિમાચલ, કેરલ, કાશ્મીર જેવા ડોમેસ્ટિક ટુરીસ્ટ પોઈન્ટ પર જવાનો ક્રેઝ વધી રહ્યો છે. તો કેટલાક સુખી સંપન્ન લોકો મલેશિયા સિંગાપોર, દુબઈ અને થાીલેન્ડની ટૂર કરતા હોય છે. ટૂર્સ ટ્રાવેલર્સ ઓપરેટર્સ આખા વર્ષનો ૫૦થી ૬૦ ટકા ધંધો શ્રાવણ મહિનામાં કરતા હોયછે. કારણ કે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ સૌરાષ્ટ્રનાં લોકો જ હરવા ફરવા નીકળતા હોય છે. નાના મોટા ફેમિલી ટૂર પેકેજોની પુછપરછ અને બુકીંગ માટે ટૂર ઓપરેટરો શ્રાવણ મહિનામાં વ્યસ્ત રહેતા હોય છે. તેનાં બદલે હાલ વિપરીત ચિત્ર જોવા મળી રહ્યું છે.
રાજકોટમાં આશરે નાના મોટા ૩૫૦ જેટલા ટૂર ટ્રાવેર્લ્સ ઓપરેટર્સ છે. શહેરનાં એક અગ્રણી ટૂર ઓપરેટરનાં જણાવ્યા મુજબ છેલ્લા પાંચ મહિનાથી ટુરિઝમ બિઝનેસ સાવ ઠપ છે. શ્રાવણ મહિનામાં ટૂર બિઝનેસની સિઝન હોય છે. વળી હાલ અમે કોરોનાને કારણે ધંધા વગરનાં બેકાર બેઠા છીએ, ટ્રેનો બંધ છે. ફલાઈટ બંધ છે બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી લોકો બહાર જવાનું ટાળી રહ્યાં છે.
છેલ્લા પાંચેક મહિનાથી પ્રવાસન ઉદ્યોગ ઠપ થઈને પડયો છે કરોડોનું નુકશાન પ્રવાસન ક્ષેત્રને થયું છે. મોટી ટૂરીઝમ કંપનીઓએ તેમનાં કર્મચારીઓને છૂટા કર્યા છે તો કેટલાકે પગારમાં કાપ મુકયો છે. રાજકોટમાં જ કેટલાક ટૂર્સ ટ્રાવેલર્સ ઓપરેટરોએ ઓફિસોને તાળા મારી અન્ય ધંધા શરૂ કરી દીધા છે. રાજોકટનાં કેટલાક ટૂર ઓપરેટરોએ કોલ સેન્ટર, પ્લેસમેન્ટ એજન્સી જેવા બિઝનેસનાં વિકલ્પો શોધી એ તરફ ઝુંકાવ્યું છે. દિવાળી સુધી ટૂર ઓપરેટરોનાં ધંધા શરૂ થાય તેવી શકયતા નથી.