આજે શીતળા સાતમ અને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા કરાશે
- તહેવારો ટાણે લોકોમાં પ્રવર્તી રહેલો ભારે હર્ષોલ્લાસ
- સાતમના પર્વે ઘરે ઘરે ટાઢુ ખાવાની જળવાઈ રહેલી વર્ષો જુની પરંપરા
દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં ભકતો શિવભકિતમાં લીન બન્યા છે. શ્રાવણ માસની પર્વમાળા અંતગર્ત રવિવારે પરંપરાગત રીતે શીતળા સાતમનું વ્રત ઉજવાશે. આ પ્રસંગે શહેર અને જિલ્લામાં ચુલો ઠારી પૂજન અર્ચન કરવાની પરંપરા બહેનોએ નિભાવી હતી.આજના દિવસે અગ્નિતત્વના અધિષ્ઠાતા દેવ સૂર્યની પૂજાનું પણ સવિશેષ મહત્વ છે. તેમજ માતા શીતળાની પૂજા અર્ચના કરવાનું ભારે મહાત્મ્ય હોય બહેનો દ્વારા શીતળા માતાજીની શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન કરવામાં આવશે.એટલુ જ નહી રાંધણ છઠ્ઠના દિવસે પરિવારની ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાયેલી ટાઢી રસોઈ જમીને વ્રત કરવામાં આવશે. છઠ્ઠના પર્વે રસોઈ કરી સાતમના પર્વે ચુલાની પૂજા કરવાની હોય આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્યસામગ્રી બનાવાતી નથી. આજના સાતમના પર્વે વ્રતધારી ગૃહિણીઓ દ્વારા ઠંડા દૂધ, જળ, ચંદન અને કંકું,ચોખા વગેરેથી શીતળા માતાજીની પૂજા કરાશે. ધાર્મિક ગ્રંથોમાં દર્શાવાયા મુજબ વારંવાર માંદુ પડતા બાળકના વાલી જો આ વ્રત કરે તો તેના બાળકને માતાજી રોગમુકત કરે છે. આવતીકાલે સોમવારે ગોહિલવાડમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે ધર્મસ્થાનકોમાં જન્માષ્ટમીની ઉજવણી ભકતો વિના જ કરાઈ હતી. જયારે આ વર્ષે કોરોના હળવો થતા ગાઈડલાઈન મુજબ શ્રીકૃષ્ણ જન્મોત્સવના ચોમેર વધામણા કરાશે. દરમિયાન સાતમ આઠમના પર્વે ધર્મસ્થાનકો આસપાસ ભરાતા ભાતીગળ લોકમેળા બંધ રહેતા ઉત્સવપ્રિય લોકોમાં આ વર્ષે પરિવારજનો સાથે કયા સ્થળે ફરવા જવુ તેની દ્વિધા સાથે નિરાશા છવાઈ ગઈ છે. જયારે સાતમ આઠમની રજા અને તહેવારોના માહોલમાં પ્રવાસનપ્રિય શહેરીજનો પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે યાત્રાધામો તેમજ પ્રાકૃતિક અને પર્યટન સ્થળોએ જવાના મૂડમાં જોવા મળ્યા છે.
કોરોનાને લઈને લોકમેળાના આયોજનો બંધ
શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા સાતમના મહાપર્વે પ્રતિ વર્ષ શહેરના ઘોઘા રોડ પરના શીતળા માતાજીના મંદિરે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો ભરાય છે. જેમાં દિવસ દરમિયાન હજજારો આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટતા હતા. દરમિયાન ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકારની ગાઈડલાઈન મુજબ ઘોઘા રોડ પર શીતળા સાતમનો લોકમેળો ભરાશે નહિ. આ ઉપરાંત એકસેલ ઈન્ડસ્ટ્રીઝની સામે આવેલા મોટા રૂવાપરી માતાજીના મંદિરે પણ દર વર્ષે સાતમ આઠમના પર્વે ભાતીગળ લોકમેળા યોજાતો હતો. રૂવાપરી સેવા ટ્રસ્ટ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ અને આઠમના લોકમેળાનું આયોજન બંધ રાખવામાં આવેલ છે.