આજે વિશ્વ યોગ દિવસ, નીર્જળા એકાદશી,ભીમ અગિયારસ સહિતના વિશેષ દિનનો સુભગ સમન્વય
- ગાયત્રી મંદિરોમાં મંત્રજાપ, હવન સહિતના કાર્યક્રમોનું કરાયેલુ આયોજન
- અનેકવિધ સંસ્થાઓના ઉપક્રમે ઓનલાઈન યોગના કાર્યક્રમ સાથે ભાવેણા યોગમય બનશે
ભાવનગર : ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયા મુજબ જેઠ સુદ એકાદશીને તા.૨૧ જુનને સોમવારે એક નહિ બલકે એક સાથે ચાર-ચાર વિશેષ દિનનો સુભગ સમન્વય જોવા મળશે. આજે ભાવનગર સહિત દેશ-વિદેશમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ સાથે ગાયત્રી જયંતિ, આદ્રા નક્ષત્રનો આરંભ યાને ભીમ અગીયારસ(નિર્જળા એકાદશી),દક્ષિણાયન છે. તેથી મંત્રજાપ, તપ-ઉપવાસ, યોગ પ્રાણાયામ અને ખગોળ વિજ્ઞાાન માટે વિશેષ દિન મનાવાશે.
ભાવનગર શહેર અને જીલ્લાભરમાં પણ આજે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. જો કે, કોરોનાની મહામારીના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ યોગ દિન નિમીત્તે ઓનલાઈન કાર્યક્રમો જ યોેજાશે.રાજકીય,સામાજિક,સ્વૈચ્છિક,ધાર્મિક,સેવાકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આજે સવારે મર્યાદિત સંખ્યામાં યોગાસન પ્રાણાયામ નિદર્શનના કાર્યક્રમો યોજાશે. જે તે સ્થળોએ આ યોગ પ્રવૃતીઓનું સોશ્યલ મિડીયા મારફત જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં હજજારો ફોલોઅર્સ ઓનલાઈન જોડાઈને ઘરબેઠા યોગાસન કરશે. આ સાથે ભાવનગરીઓ યોગમય બનશે.આ ઉપરાંત ધર્મસ્થાનકો,આશ્રમો,હવેલીઓ તેમજ સાર્વજનિક જગ્યાઓ, કોમ્યુનિટિ હોલમાં નિશુલ્ક યોગ શિબિર અને સ્ટ્રેસ મેનેજમેન્ટ (તણાવ મુકિત)સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જેઠ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશી નિર્જળા એકાદશી તરીકે જાણીતી છે આજે નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ નિમીત્તે ઉપવાસનું વૈજ્ઞાાનિક સમર્થન પ્રાપ્ત અનેરૂ મહત્વ છે. વર્ષ દરમિયાન ૨૪ (અધિક માસ હોય ત્યારે ૨૬) અગિયારસ આવે છે.દરેકનું વ્રત કરવાથી અલગ અલગ ફળ મળે છે જેમાં નિર્જળા એકાદશી વર્ષની શ્રેષ્ઠ તથા તમામ એકાદશીનું સામટુ ફળ આપનારી એકાદશી હોય વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રધ્ધાળુઓ અચૂક આ અગિયારસ કરતા હોય છે. સામાન્ય રીતે એવુ કહેવાય છે કે, વર્ષ દરમિયાન વિપરીત સમય અને સંજોગોના કારણે જો કોઈને બધી અગિયારસ ન થાય તો પણ ભીમ અગિયારસ (નિર્જળા એકાદશી)તેના નિયમ મુજબ કરવામાં આવે તો બધી અગિયારસનું ફળ તેને મળે છે તેમજ અગીયાર ઈન્દ્રીયોથી જાણ્યે કે અજાણ્યે જેટલા પાપ થાય છે તે તમામ આ નિર્જળા એકાદશીના વ્રતથી નાશ પામે છે તેમજ આ એકાદશીથી ધન,ધાન્ય, રિધ્ધિ,સિધ્ધિ, આયુષ્ય,બલ,આરોગ્ય,સંતતિ તથા વિજય મળે છે તેવુ ધર્મશાસ્ત્રોમાં જણાવાયુ છે. આ દિવસે કરાયેલુ અન્નદાન અક્ષય થાય છે તેથી જ આજના પર્વે બહેન,દિકરીઓ,સાધુ,બ્રાહ્મણ,મહંત,પુજારીઓને કેરી તથા રોકડભેટ,વસ્ત્રદાન આપવામાં આવે છે.ભીમઅગિયારસના પર્વે હવેલીઓમાં જલવિહાર (નૌકાવિહાર)ના દર્શન ખુલ્લા મુકાય છે.
આજના અવસરે વેદોની માતા ગાયત્રી માતાજીની જયંતિ પણ ગોહિલવાડમાં ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવાશે. શહેરના ચિત્રામાં તેમજ ઘોઘા રોડ ખાતે દર્શનીય ગાયત્રી મંદિરો આવેલા છે. અને અનેક મંદિરોમાં પણ મા ગાયત્રીની પ્રતિમા સ્થાપિત કરાઈ હોય તે સ્થાનકોમાં આજના પ્રસંગે યજ્ઞા,મંત્રજાપ સહિતના કાર્યક્મો યોજાશે. ગાયત્રી મંત્રના જાપનું પણ અનન્ય વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી મહત્વ હોય સાધકો દ્વારા ઘરે ઘરે મંત્ર જાપ કરાશે.ગાયત્રી હવન,મીની (નેનો) હવન હવે તો ઘરે ઘરે થાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે,ભાવનગર શહેર અને જીલ્લામાં ગાયત્રી પરિવારના અસંખ્ય સાધકો કાર્યરત છે. આ દિવસે દક્ષિણાયન શરૂ થાય છે.એટલે કે, વર્ષનો સૌથી મોટો દિવસ અને સૌથી ટુંકી રાત્રી છે.