Get The App

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 124મી જન્મ જયંતિ

- નવલકથા, સાહિત્ય, પ્રવાસ વર્ણન, લોકગીતના મહારથી

Updated: Aug 28th, 2020

GS TEAM


Google News
Google News
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 124મી જન્મ જયંતિ 1 - image

- ભાવનગરની શામળદાસ કોલેજમાં મેઘાણીજી અંગ્રેજી અને સંસ્કૃતના પાઠ ભણ્યા હતા

ભાવનગર, તા. 27 ઓગષ્ટ 2020, ગુરૂવાર


રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવા મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૪ મી જન્મજયંતિ છે. સૈકાઓથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. પાળિયાને પણ બેઠા કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીનો ભાવનગર સાથે પણ અતૂટ નાતો રહ્યો છે. મેઘાણીજી ઇ.સ.૧૯૧૨ થી ૧૯૧૬ દરમિયાન સંસ્કૃત તથા અંગ્રેજીના પાઠ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યા હતા અને અહીંથી જ તેઓએ સ્નાતકની પદવી હાંસલ કરી હતી. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ થયું છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે.

કવિ, લેખક, પત્રકાર, વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા.૨૮/૦૮/૧૮૯૬ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતાં હતાં.

તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન,લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે ૮૮ જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, પ્રગટ થયા અને ખૂબ જ આવકાર પામ્યા હતાં. લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઈ.સ. ૧૯૯૯ માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તા.૦૯/૦૩/૧૯૪૭ ની મધ્યરાત્રિએ બોટાદ ખાતે હૃદયરોગને કારણે તેઓનું અવસાન થયું હતું.

Tags :