આજે પપ્પાના અવ્યકત પ્રેમ જાણી તેમને પૂજવાનો દિવસ, ફાધર્સ ડે
- જુનના ત્રીજા રવિવારે વિશ્વના 100થી વધુ દેશોમાં ઉજવાતો દિવસ
- અમેરિકામાં ૧૧૧ વર્ષ પહેલા ફાધર્સ ડેની ઉજવણી એક દીકરીએ શરૃ કરી, ભારતમાં સહસ્ત્રાબ્દિઓથી માતા-પિતાને પૂજવાની પરંપરા
રાજકોટ
આવતીકાલ રવિવાર, રજાના દિવસે વિશ્વના ૧૧૧ જેટલા દેશોમાં ફાધર્સ ડે ઉજવાશે. પપ્પા,પિતા,બાપુજીનો પ્રેમ અપાર હોય છે પરંતુ, તે વ્યક્ત થતો નથી, રાત દિવસ સંતાનોને ઉછેરવા જાત ઘસી નાંખતા પિતાના પ્રેમને ખાસ કરીને સંતાનો યુવાવયનાં થાય ત્યારે જાણવો,સમજવો પડે છે. અને મોટાભાગે યુવાનોને તે પિતા થયા પછી અને સંતાનો મોટા થયા પછી સમજાય છે જ્યારે પિતા હોય પણ ખરા અને ન પણ હોય. આવતીકાલનો દિવસ પપ્પાના પરિવારપ્રેમને ઓળખી કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો, ડેડીને થેન્ક્યુ કહેવાનો દિવસ ઉજવાશે.
અમેરિકામાં આ દિવસ ઉજવવાની શરૂઆત ૧૯૧૦માં એક દિકરીએ શરૂ કરી હતી. પિતાએ સંતાનોને ઉછેર્યા તેને સ્મરીને સોનારા સ્માર્ટ ડોડ નામની પુત્રીએ તેની ઉજવણી શરૂ કરી તો અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને પણ આ દિવસ ઉજવવાનું શરૂ કર્યાનું કહેવાય છે. મધર્સ ડે પછી ફાધર્સ ડે આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી ૧૧૦ વર્ષ પહેલા શરૂ થઈ પણ ભારતમાં તો હજારો વર્ષથી પિતા પ્રત્યે પુત્રનો પ્રેમની પરંપરા રહી છે. ભગવાન શ્રી પિતા રામ દશરથના એક વચન ઉપર રાજપાટ છોડીને વનવાસ અપનાવ્યો તે યુગોથી સ્મરણમાં છે.સૌરાષ્ટ્રમાં તો આજે પણ અનેક ઘરોમાં માતા-પિતાને પ્રણામ કરીને બહાર નીકળવાની, મા-બાપ સામે તેમને માઠુ લાગે તેવું નહીં બોલવાની કે વર્તન કરવાની પરંપરા રહી છે, આજે પણ અનેક યુવાન-યુવતીઓ તેમનો પ્રથમ પગાર મા-બાપના ચરણોમાં મુકી આશિર્વાદ લેતા હોય છે ત્યારે આવા દિન વિશેષ સહજ રીતે ઉજવાતા હોય છે.