- 13 સભ્યની ચૂંટણી માટે 29 ઉમેદવાર મેદાનમાં : 13 તાલુકા મથક પર મતદાન
- બેંકની મંડળીના આશરે 700 સભ્ય મતદાન કરી શકશે : ચૂંટણી દરમિયાન 78 થી વધુ કર્મચારી ફરજ બજાવશે : ચૂંટણી જીતવા કોંગ્રેસ-ભાજપના સભ્યો વચ્ચે રસાકસી
સહકારી સમીતીના સભ્યોની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાતી હોય છે, જેના ભાગરૂપે ભાવનગર ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના સભ્યની ચૂંટણી આવતીકાલે તા. ર૮ ફેબુ્રઆરીને રવિવારના રોજ યોજાશે. સવારે ૧૦ થી સાંજના ૪ કલાક સુધી મતદાન કરી શકાશે. બેંકના ૧૬ સભ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી પરંતુ ૩ સભ્ય બિનહરીફ થતા હવે ૧૩ સભ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ચાર વિભાગ છે, જેમાં ક વિભાગમાં ૧૩ સભ્ય, ખ વિભાગમાં ૧, ગ વિભાગમાં ૧ અને ઘ વિભાગમાં એમ કુલ ૧૬ સભ્યની ચૂંટણી છે. બિનહરીફ બેઠક સિવાયની અન્ય બેઠક પર ચૂંટણી યોજાશે. ૧૩ સભ્યની ચૂંટણી માટે ર૯ ઉમેદવાર વચ્ચે જંગ યોજાશે. ૧૩ તાલુકા મથક પર મતદાન યોજાશે, જેમાં ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ વીટીસી સેન્ટર ખાતે ભાવનગર તાલુકાનુ મતદાન તેમજ ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલિતાણા, ગારિયાધાર, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા, સાવરકુંડલા, ગઢડા, બોટાદ વગેરે સેન્ટર પર મતદાન યોજાશે. ચૂંટણીમાં અધિકારી, કર્મચારી સહિતના આશરે ૭૮થી વધુ કર્મચારી ફરજ બજાવશે. અનીચ્છીનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં મંડળીના સભ્ય મતદાન કરી શકતા હોય છે. આશરે ૭૦૦ મંડળીના સભ્ય છે, તેઓ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. આ ચૂંટણી રાજકીય ચિહ્ન પર લડાતી નથી પરંતુ સભ્યો જે તે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય છે અને પાર્ટીના આદેશ મુજબ તેઓ ઉમેદવારી કરતા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. બેંકની ચૂંટણીમાં ધારાસભ્યો સહિતના ઉમેદવાર છે ત્યારે ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી જામી છે. આ ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થાય છે ? તેની રાહ જોવી જ રહી. આગામી તા. ર માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે.
બેંકની ચૂંટણીમાં 16 માંથી 3 સભ્ય બિનહરીફ થયા છે
ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં ૧૬માંથી ૩ સભ્ય બિનહરીફ થયા છે. ત્રણ બેઠક પર એક-એક ઉમેદવારે જ ફોર્મ ભર્યુ હોવાથી ત્રણ બેઠકના ઉમેદવારો બિનહરીફ થયા હોવાનુ સુત્રોએ જણાવેલ છે, જેમાં જેેસર તાલુકાના ભાજપના ઉમેદવાર બળદેવસિંહ રણુભા સરવૈયા અને સાવરકુંડલા તાલુકાના ભાજપના ઉમેદવાર દીપકભાઈ કુરજીભાઈ માલાણી, ખ વિભાગમાં કોંગ્રેસના ઉમેદવાર અમીત મેહુરભાઈ લવતુકા વગેરે ત્રણ સભ્ય બિનહરીફ થયા છે.


