કોળિયાક અને કુડાના દરિયામાં એક સગીરા સહિત ત્રણ ગરકાવ
ભાવનગર, તા. 31 ઓક્ટોબર 2019, ગુરૂવાર
દિવાળીના તહેવારો દરમિયાન કોળિયાક અને કુડાના દરિયામાં એક સગીરા સહિત ત્રણ ડૂબતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. દિવાળીના દિવસે ઇસ્કોન મેગાસિટીનો યુવાન અને ભાઇબીજના દિવસે સગીરા દરિયામાં ડૂબતા બંનેના મૃત્યુ નિપજવા પામ્યા હતાં. જ્યારે દરિયામાં નહાવા પડતા ગરકાવ થયેલ અમદાવાદના યુવાનનો હજુ કોઇ અતોપતો મળતો ન હોવાનું મરીન પોલીસમાંથી જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ઇસ્કોન મેગાસિટીમાં રહેતા અને સિટી પોઇન્ટમાં નોકરી કરતા મહેશકુમાર કાંતિલાલ પરમાર (ઉ.વ.25) દિવાળીની રજાઓને લઇ ગત તા.27-10ના રોજ દિવાળીના દિવસે મિત્રો સાથે કોળિયાકના દરિયા કિનારે ફરવા ગયા બાદ નહાવા પડતા મહેશકુમાર ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મૃત્યુ નિપજવા પામ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ જયમંગલ તીર્થ સોસાયટીમાં રહેતો પરિવાર દિવાળીના તહેવારો કરવા ભાવનગર સબંધીને ત્યાં આવ્યો હતો ત્યાંથી ભાઇબીજના દિવસે સાંજે 5.00 કલાકના અરસા દરમિયાન તમામ પરિવારજનો કુડાના દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યાં આયુષીબેન અલ્પેશભાઇ પટેલ (ઉ.વ.16, રે.અમદાવાદ જયમંગલ તીર્થ સોસાયટી) દરિયામાં નહાવા પડતા ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મૃત્યુ નિપજવા પામ્યું હતું.
જ્યારે અન્ય એક બનાવમાં અમદાવાદના નારોલ રોડ પર આવેલ મેમણ કોલોનીમાં રહેતા સલમાનભાઇ યુનુસભાઇ પાચા (ઉ.વ.20) ભાવનગર બહેનના ઘરે આવ્યા હતા ત્યાંથી ગઇકાલે સાંજના સુમારે પરિવાર સાથે કુડાના દરિયા કિનારે ફરવા માટે ગયા હતા જ્યાં સલમાનભાઇ ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. ઘટનાની જાણ થતા મરીન પો.સ્ટે.ના પી.એસ.આઇ. મંડેરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને યુવાનની શોધખોળ અર્થે એસ.આર.ટી.ની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત હાથ ધરી હતી પરંતુ દરિયામાં ગરકાવ થયેલ યુવાનનો હજુ અતોપતો ન લાગ્યો હોવાનું મરીન પોલીસે જણાવ્યું હતું.