Get The App

અમદાવાદના ઉદયસિંહ ભદોરીયાની હત્યાના કાવત્રામાં ત્રણની ધરપકડ

- રાજકોટના સિરીયલ કિલર નિલય મહેતાએ સોપારી લીધી હતી

- 2019માં ભદોરીયાની હત્યા કરવા નિલય સહિત ત્રણ આરોપીઓ ગયા હતા, પરંતુ ફાયરીંગ ન કરી શકતા બીજી વખત કાવત્રુ રચ્યું હતું

Updated: Mar 18th, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદના ઉદયસિંહ ભદોરીયાની હત્યાના કાવત્રામાં ત્રણની ધરપકડ 1 - image

રાજકોટ, તા.18 માર્ચ 2020, બુધવાર

છ-છ હત્યા અને ચોરી, લૂંટ જેવા ૩૩ ગંભીર ગુના આચરનાર રાજકોટના ખુંખાર સિરીયલ કિલર નિલય મહેતાએ અમદાવાદમાં રહેતા હિન્દી સમાજના અગ્રણી અને હથિયાર વિક્રેતા ઉદયસિંહ ભદોરીયાની હત્યાની સોપારી લીધાનો ઘટ્ટસ્ફોટ થયો છે એટલું જ નહીં એક વખત કાવત્રાને અંજામ આપવા પણ ગયો હતો પરંતુ ફાયરિંગ કરી શક્યો ન હતો. હવે બીજી વખત કાવત્રાને અંજામ આપવા રાજકોટ હથિયારની વ્યવસ્થા કરવા આવ્યો હતો ત્યારે બાતમી મળી જતાં ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો. આજે ભદોરીયાની હત્યાનું કાવત્રુ રચવા અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તેની સાથે કાવત્રામાં સામેલ અને હથિયાર પુરા પાડવા માટે જેનો સંપર્ક કર્યો હતો તે સહિતના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

જેમાં અમદાવાદનાં પ્રદિપસિંહ નરસિંહ રાજપૂત, કિશોર ઉર્ફે રવિ ઉર્ફે લાલો રાજેશ કોસ્ટી અને જસદણમાં રહેતા વસીમ ઈકબાલ કથીરીનો સમાવેશ થાય છે. આ ગુનામાં નિલય મહેતાનો ટુંક સમયમાં ક્રાઈમ બ્રાંચ જેલમાંથી કબ્જો લેશે.

રાજકોટનાં આમ્રપાલી ફાટક પાસે રહેતા વિમલેશકુમારી નામના વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કરવાના ગુનામાં સિરીયલ કિલર નિલય મહેતાને આજીવન કેદની સજા પડી હતી. જેમાં તેના ૧૦ દિવસના પેરોલ મંજુર થયા બાદ જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો.

એકાદ વર્ષ ફરાર રહ્યા બાદ ગઈ તા. ૧૨ માર્ચના રોજ તેને ક્રાઈમ બ્રાંચે ૮૦ ફૂટના રોડ પરથી ઝડપી લીધો હતો ત્યારે તેણે પીઆઈ હિતેષ ગઢવી સમક્ષ ભદોરીયાની હત્યાની સોપારી લીધાની કબુલાત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ પ્રકરણમાં તપાસ કર્યા બાદ આજે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ધાખડાએ સરકાર તરફે ફરિયાદી બની આઈપીસી કલમ ૧૧૫, ૧૨૦ (બી), ૩૭ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાંચની પુછતાછમાં નિલયે એવી કબુલાત આપી હતી કે તે ૨૦૧૮માં જ્યારે જેલમાં હતો ત્યારે પાસા તળે આવેલા અમદાવાદના પ્રદિપ રાજપૂત અને રવિ કોષ્ટી સાથે મિત્રતા થઈ હતી ત્યારે પ્રદિપે તેને કહ્યું કે અમદાવાદમાં હથિયારની દુકાન ધરાવતા ઉદયસિંહ ભદોરીયા પર તેના ભાઈ સંદીપે ફાયરીંગ કર્યું હતું. જેમાં ખૂનની કોશિષનો ગુનો દાખલ થયો છે.

આ કેસમાં અનેક વખતના પ્રયાસ છતાં ભદોરીયા સમાધાન કરવા તૈયાર નથી. જેથી હવે તેની હત્યા કરવાની છે. જો તેમાં તું (એટલે કે નિલય) મદદરૂપ થાય તો તેનાં કેસમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં અને વકિલ રોકવામાં તેને તે આર્થિક મદદ કરશે. આ વાત સાંભળી તે તૈયાર થઈ ગયો હતો. પેરોલ જમ્પ કર્યા બાદ તે અમદાવાદ પહોંચ્યો હતો અને ગઈ તા. ૨૪-૨-૨૦૧૯ના રોજ રવિ કોસ્ટી અને પ્રદિપ રાજપૂત સાથે મળી ભદોરીયાની હત્યા કરવા ગયો હતો અને તેની કાર રોકતા તેણે કાર તેની સાવ નજીક આવી ચડાવી દેતા જ તેનાથી એટલે કે નિલયથી તમંચામાંથી ફાયરીંગ થઈ શક્યું ન હતું અને આ રીતે ગાળાગાળી કરી અને ધાકધમકી આપી ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.

જો કે બનાવ વખતે ભદોરીયાને પણ ત્રણેય આરોપીઓ તેની હત્યાના ઈરાદે આવ્યાની ખબર પડી ન હતી. તેને માત્ર તેના પરના ફાયરીંગનો જે કેસ છે તેમાં ધાકધમકી આપવા જ આવ્યાનું માની આ સંબંધે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કાવત્રુ નિષ્ફળ નિવડયા બાદ ફરીથી ભદોરીયાની હત્યાનું કાવત્રુ રચાયું હતું. જેને અંજામ આપવા નિલય યુપીથી રાજકોટ હથિયારની વ્યવસ્થા કરવા આવ્યો હતો. તેણે જસદણના વસીમ કથીરીનો અગાઉથી સંપર્ક કરી તેની પાસે હથિયાર મંગાવ્યું હતું અને રાજકોટમાં હથિયાર મળી જતા ફરીથી ભદોરીયાની હત્યા કરવા જવાનો હતો. પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો જેમાં તેણે લીધેલી હત્યાની સોપારીનો પર્દાફાશ થયો હતો.

ત્રણે'ય આરોપીઓનો લાંબો ગુનાઈત ઈતિહાસ

ભદોરીયાની હત્યાના કાવત્રામાં ઝડપાયેલો પ્રદિપ રાજપૂત લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરુધ્ધ અમદાવાદના જુદા જુદા પોલીસ મથકમાં પત્નીને ત્રાસ, મારામારી, ધાકધમકી, આર્મ્સ એક્ટ, પ્રોહીબીશનના નવ ગુના નોંધાયા છે. જ્યારે રવિ કોસ્ટી વિરુદ્ધ પણ અમદાવાદના જુદા જુદા પોલીસ મથકમાં ચોરી, લૂંટ, ધાકધમકી આપવાના છ ગુના નોંધાયા છે.

આ ઉપરાંત ત્રીજા આરોપી વસીમ કથીરી વિરુદ્ધ જસદણ, ભાવનગર, અમરેલી અને અમદાવાદમાં હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ, હુમલો, અપહરણ, ધાકધમકી આપવા સહિતના ૬ ગુના નોંધાયા છે. એટલું જ નહીં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગયા વર્ષે તેને ૮ દેશી પિસ્તોલ, ૧૦ તમંચા, ૮ ખાલી મેગ્ઝીન, ૩૭ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.

હાઈકોર્ટમાં અપીલ કરી શકાય તે માટે

15 માર્ચ પહેલા ભદોરીયાનું કામ તમામ કરવાનું નક્કી કર્યું હતું

જો ભદોરીયા જીવતો હશે તો અપીલમાં અડચણ ઉભી કરશે તેમ પ્રદિપ રાજપૂતને લાગતું હતું

અમદાવાદના ઉદયસિંહ ભદોરીયાની હત્યાનું કાવત્રુ ૨૦૧૯માં નિષ્ફળ નિવડયા બાદ ફરીથી આ કાવત્રાને અંજામ આપવાનું સિરીયલ કિલર નિલય મહેતાએ નક્કી કર્યું હતું. એટલું જ નહીં તે ગઈ તા. ૧૫મી માર્ચ પહેલા જ ભદોરીયાની હત્યા કરી નાખવાનો હતો. કારણ કે ભદોરીયા પર ફાયરીંગ કરવાના કેસમાં પકડાયેલો સંદીપ રાજપૂતને અદાલતે આ ગુનામાં દસ વર્ષની સજા ફટકારી હતી. જેથી તે આગામી તા. ૧૫મીએ હાઈકોર્ટમાં અપીલ કરવાનો હતો પરંતુ જો ભદોરીયા જીવીત હશે તો તે અપીલ કરવામાં અડચણ ઉભી કરશે તેવું સંદીપના ભાઈ પ્રદિપને લાગતું હતું. જેથી તેણે નિલયને તા. ૧૫મી માર્ચ પહેલા જ ભદોરીયાનું કામ તમામ કરવાની સુચના આપી હતી. જેના ભાગરૂપે નિલય સારા હથિયારની વ્યવસ્થા કરવા માટે રાજકોટ આવ્યો હતો. પરંતુ ઝડપાઈ જતા હત્યાના કાવત્રાનો પર્દાફાશ થઈ ગયો હતો.