રાજપરા ખોડિયાર માઁના ચરણોમાં હજારો માંઈભક્તોએ શીશ ઝૂકાવ્યા
- ખોડિયાર જયંતીની કરાઈ શ્રધ્ધાભેર ઉજવણી
- પ્રાગટય દિનની સાથે રવિવારનો સંયોગ આવતા શ્રધ્ધાળુઓની સંખ્યા બેવડાઈ, પદયાત્રિકોના સંઘ દર્શનાર્થે પહોંચ્યા
ભાવનગર,તા.2 ફેન્યુઆરી 2020 રવિવાર
મહા સુદ આઠમ એટલે ખોડિયાર માતાજીનો પ્રાગોટય દિવસ. આજે ખોડિયાર જયંતી નિમિત્તે સુપ્રસિધ્ધ રાજપરા ખોડિયાર મંદિરે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા હજારોની સંખ્યામાં માંઈભક્તો ઉમટી પડયા હતા. ખોડલ જયંતીના પ્રાસંગે રાજ્યભરમાંથી શ્રધ્ધાળુઓ રાજપરા ખોડિયાર મંદિરે ઉમટી પડયા હતા. જેના કારણે મંદિરમાં દર્શનાર્થીઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.
માઘ નવરાત્રિમાં ત્રીજની વૃધ્ધ તિથી આવતા આજે રવિવારે આઠમ અને ખોડિયાર જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર માતાજીના પ્રાગટય દિવસની સાથે આ વર્ષે રવિવારનો સંયોગ પણ બંધાયો હોવાથી ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર મંદિરે શ્રધ્ધાળુઓની સંખ્યા બેવડાઈ હતી. વહેલી સવારથી જ ખોડિયાર માતાજીના દર્શનાર્થે રાજ્યભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ મોડે સુધી વહેતો રહ્યો હતો. વાહન ઉપરાંત પદયાત્રિકોના સંઘો પણ આજે રાજપરા ખોડિયાર મંદિરે પહોંચ્યા હતા. આઈ શ્રી ખોડલ જયંતી નિમિત્તે માતાજી-મંદિરને વિશેષ ફૂલોનો શણગાર કરાયો હતો. જ્યારે નવચંડી યજ્ઞા, વિશેષ આરતી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.