ભાવનગર, 27 નંવેમ્બર 2019 બુધવાર
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના પરિક્ષા વિભાગ દ્વારા દાતાઓની સખાવતના સહકારથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રાઇઝ અને મેડલ આપવામાં આવે છે. પરંતુ આ પ્રોત્સાહન જે તે વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ કર્યાના પછીના વર્ષમાં મળતુ હતું. જેમાં ફેરફાર કરી ચાલુ વર્ષના મેડલ-પ્રાઇઝ તેજ વર્ષમાં મળી જાય અને તમામ ફેકલ્ટીને આવરી લેવાય તેવા સન્નિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા છે. આ વર્ષના મેડલ અને પ્રાઇઝ મેળવનારા વિદ્યાર્થી અને તેની ડિટેઇલ નોટીફીકેશન વેબસાઇટ પર અપલોડ કરાયું છે.
મળતી વિગતો મુજબ પરીક્ષા વિભાગ દ્વારા મેડલ અને પ્રાઇઝ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને ગત વર્ષની સરખામણીએ ઘણા વિષયો આ મેડલથી બાકાત હતા. જેને પ્રોત્સાહન બળ પુરૂ પાડવા વિવિધ દાતાઓના સહકારથી મોટાભાગની તમામ ફેકલ્ટીને આ વર્ષે આવરી લેવાઇ છે અને અભ્યાસ સુધી એક વર્ષના સમયગાળા બાદ જે તે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરાતા હતા.
તેના સ્થાને વ્યવસ્થા ગોઠવી વિદ્યાર્થીને પોતાના જ વર્ષમાં સન્માન મળે તેવા પ્રયાસોને ઓપ અપાયો છે. જે યુનિવર્સિટીની પ્રથમ ઘટના બની રહેશે. જે કાર્યવાહીના ભાગરૂપે મેડલ અને પ્રાઇઝ નોટીફીકેશન ૨૦૧૯ યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરી દેવાઇ છે. જેમાં ૪૫ વિદ્યાર્થીને પ્રાઇઝ અપાશે અને વિવિધ ફેકલ્ટીના ૬૪ વિદ્યાર્થીને મેડલ આપવામાં આવશે.
આગામી તા.૨૩-૧૨ના રોજ યોજાનાર પદવીદાન સમારોહમાં વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૧૯ના બન્ને વર્ષના મેડલ અને પ્રાઇઝ એનાયત કરવામાં આવશે. આમ પ્રથમ વખત ચાલુ વર્ષના સૌથી વધુ ગુણ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને આજ વર્ષના પદવીદાન સમારંભમાં મેડલ અને પ્રાઇઝ એનાયત કરવામાં આવનાર છે. તો એક તબક્કે મેડલમાં પણ બાકી રહી ગયેલી ફેકલ્ટીનો સમાવેશ કરી તમામને આવરી લેવાનો પણ પ્રયાસને આવકાર મળ્યો છે. જેથી દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત મળી રહેશે.


