પાલિતાણા એસટી ડેપોમાં એક જ સમયે એક જ સ્થળ માટે ચાર બસ મળી રહે !
ભાવનગર, તા. 01 ઓગસ્ટ 2019, ગુરુવાર
યાત્રાધામ પાલિતાણાનો એસ.ટી. ડેપોના ઉચ્ચ અધિકારીઓની મનસ્વી કાર્યપધ્ધતિના કારણે આ ડેપો ખોટ કરી રહેલ છે. અનેક રૂટની બસ સેવાના સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરવામાં સત્તાધીશો દ્વારા અકારણ વિલંબ કરાઈ રહ્યો હોય મુસાફરોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. જી.એસ.આર.ટી.સી.ના સ્થાનિક સત્તાધીશોની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે અગાઉના વર્ષોની તુલનામાં પાલિતાણા ડેપોનો વહિવટ ખાડે ગયેલ છે. વધુમાં આશ્ચર્યની વાત એ છે કે, અહીંથી એક જ કલાકમાં એક જ સ્થળે જવા ચાર બસ મળે છે.
પાલિતાણાના એસ.ટી. ડેપોના ડ્રાઈવર અને કંન્ડકટર સહિતનો ઓફિસ સ્ટાફ માટે બાયોમેટ્રીક મશીનથી હાજરી પુરવામાં આવે તો મોટા ભાગનો સ્ટાફ નીયમીત રહે છે કે, નહિ તે ઉચ્ચ અધિકારીઓને ખ્યાલ આવે. પાલિતાણા શહેરથી લાંબા અંતરની અપૂરતી બસ સેવા છે. સવારની સોમનાથ રુટની બસનો સમય અડધો કલાક વહેલો કરવામાં આવે અને અંતરીયાળ ગામો બંધ કરી ડાયરેકટ સોમનાથ કરવામાં આવે તેવી મુસાફરોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.
આ ઉપરાંત સવારે ૧૦.૪૫ થી ૧૧.૧૫ સુધી એટલે કે, અડધાથી પોણા કલાકમાં મુસાફરોનો પૂરતા ટ્રાફિક ન મળતો હોવા છતા ગારિયાધાર તરફ જવા માટે ચાર બસો ઉપડે છે. તે જ રીતે બસોને પાલિતાણાથી ભાવનગર બપોરે ૧.૪૫ થી ૨.૪૦ સુધી એકાદ કલાકમાં ચાર બસ છે. જેમાં પણ જરુરી ટ્રાફીક જોવા મળતો નથી. આ જ ચાર બસ ભાવનગરથી સમયાંતરે પરત ફરે છે. તેમજ રાજકોટ જવા માટે સવારે ૭ કલાકની બસ શરુ કરાય અને સોનગઢ થઈને તે બસ બપોરે ૪ કલાકે પરત ફરે તો ટ્રાફિક સારો મળે તેમ છે. તેમજ સવારે ૯.૪૫ થી ૧૧ વાગ્યા સુધીમાં એકપણ બસ ભાવનગર માટે નથી.તે સમયે બે બસ શરુ કરાય તેવી મુસાફરોની માગણી છે.
તેમજ લોકલ બસ દરરોજ ૨૦૦ કિ.મી. ફેરવવાના નિયમથી ના છુટકે રુટમાં દોડાવવી પડે છે અને એસ.ટી. ખોટના ખાડામાં ઉતરે છે. હાલ પાલિતાણા એસ.ટી. ડેપો ખોટ કરી રહી છે. એટલે કે, આવક કરતા જાવક વધુ છે. નવનિયુકત ડેપો મેનેજર બી.કે. ગઢવીએ જણાવ્યુ હતુ કે, પાલિતાણા ડેપો હાલ દરરોજનું ૧૦,૦૦૦નું ડિઝલ બચાવી રહ્યુ છે.વિદ્યાર્થીઓના ફેરામાં ચાલતી બસો રવિવાર તથા જાહેર રજામાં પણ તે રુટમાં દોડાવાય છે. જો આ ડેપોની ખોટ બંધ કરવી હોય તો અમુક સમયે દોડતી બસો બંધ કરવી રહી તેમજ વિદ્યાર્થીઓની રજાના દિવસોમાં દોડતી બસ બંધ કરાય. સાત આઠ માસથી બસ ધોવાનું મશીન બંધ છે. કર્મચારીઓ દ્વારા સફાઈ થાય છે. જેથી નવુ મશીન વસાવવુ જરુરી છે.