Get The App

યુવકના માથામાં હથોડીના અડધો ડઝન ઘા ઝીંક્યા, બે મિત્રો પણ ઘાયલ

Updated: Jun 18th, 2023

GS TEAM

Google News
Google News
યુવકના માથામાં હથોડીના અડધો ડઝન ઘા ઝીંક્યા, બે મિત્રો પણ ઘાયલ 1 - image

રાજકોટ નજીકના ઘંટેશ્વરની ઘટના

પખવાડિયા પહેલા ઘર પાસે લઘુશંકા કરવાની ના પાડતા તેનો ખાર રાખી આરોપી હથોડી વડે તૂટી પડયો

રાજકોટ :  ઘર પાસે લઘુશંકા કરવાની ના પડાતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ગઇકાલે રાત્રે ઘંટેશ્વર ૨૫ વારિયામાં એક યુવાન ઉપર હથોડી વડે ખૂની હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા તેના બે મિત્રોને પણ માથામાં હથોડીના ઘા ઝીંકી દીધા હતા. ત્રણેયને સિવિલમાં ખસેડાયા હતા. ગાંધીગ્રામ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોધી ભાગી ગયેલા આરોપીની શોધખોળ શરૃ કરી છે.

ઘંટેશ્વર ૨૫ વારિયામાં રહેતા અને ડ્રાઇવીંગ કરતા રાજેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહીલ (ઉ.વ.૪૦) ગઇકાલે રાત્રે દસેક વાગ્યે સૈનિક સોસાયટીમાં રહેતા બે મિત્રો શક્તિસિંહ મહાવીરસિંહ ગોહીલ અને વિશ્વજીતસિંહ ઘોઘુભા ગોહીલ સાથે ઘંટેશ્વર ૨૫ વારિયામાં આવેલા આરાધના ફલેટની બહારના ઓટલા ઉપર બેઠા હતા ત્યારે નજીકમાં રહેતો આરોપી સુનિલ ધીરજ ડાભી હથોડી લઇ ધસી આવ્યો હતો.

આવીને તેણે રાજેન્દ્રસિંહને બેફામ ગાળો આપી હતી. ગાળો ભાંડવાની ના પડતા હથોડી વડે તેના માથામાં ઉપરાછાપરી અડધો ડઝન ઘા ઝીંકી દીધા હતા. જેને કારણે માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તે સાથે જ રાજેન્દ્રસિંહના બે મિત્રો શક્તિસિંહ અને વિશ્વજીતસિંહ વચ્ચે પડતા આ બંનેને પણ માથાના ભાગે હથોડીના ઘા ઝીંકી દીધા હતા.

બૂમાબૂમ થતા આરોપી સુનિલ ભાગી ગયો હતો. ત્યારબાદ રાજેન્દ્રસિંહે મિત્ર હાર્દિકસિંહને કોલ કરતા તે પોતાની ગાડીમાં ત્રણેયને સિવિલ લઇ ગયો હતો. રાજેન્દ્રસિંહના માથામાં ૧૫ ટાંકા આવ્યા હતા. ૧૫ દિવસ પહેલા તેણે આરોપી સુનિલને પોતાના ઘર પાસે લઘુશંકા કરવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી તેણે આ કૃત્ય કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી ભાગી ગયો છે. જેથી મોડી સાંજ સુધી આરોપી હાથમાં આવ્યો ન હતો.