Get The App

ખોડિયાર ડેમનું જળસ્તર 80 ટકા, 46 ગામને સતર્ક કરાયા

Updated: Jul 14th, 2022

GS TEAM


Google News
Google News
ખોડિયાર ડેમનું જળસ્તર 80 ટકા, 46 ગામને સતર્ક કરાયા 1 - image

- ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ગમે ત્યારે દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ

- અમરેલી અને ભાવનગર જિલ્લાના ગામો અસરગ્રસ્ત થઈ શકે, અધિકારીઓને વોર્નિંગ મેસેજ અપાયો

ભાવનગર


અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં હજારો ક્યુસેકમાં પાણીની ધીંગી આવક થતાં ડેમનું જળસ્તર ૮૦ ટકાએ પહોંચી ગયું છે. હજુ પણ પાણીનો ધસમસતો પ્રવાહ ડેમમાં ઠલવાઈ રહ્યો હોય ગમે ત્યારે દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ ઉભી થતાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ૪૬ ગામને સતર્ક કરી અધિકારીઓને પણ વોર્નિંગ મેસેજ આપી દેવામાં આવ્યો છે.

ધારીના ખોડિયાર ડેમમાં આજે ગુરૂવારે સાંજના પાંચ કલાક સુધીમાં પાણીની સતત આવક થઈ રહી છે. ખોડિયાર ડેમમાં ૫,૭૮૭ ક્યુસેક પાણીની આવક થતાં જળાશય ૮૦.૪૨ ટકા ભરાઈ ગયો છે. જેના કારણે ખોડિયાર ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવા પડે તેમ હોય, આ જળાશયથી નીચેના ભાગમાં કે નદીના પટ, કાંઠા વિસ્તારમાં વસતા ગ્રામજનોને સાવચેત કરી અવર-જવર ન કરવા જણાવાયું છે. જે ૪૬ ગામને સતર્ક કરાયા છે તેમાં અમરેલી જિલ્લાના ધારી, લીલિયા અને સાવરકુંડલા તાલુકામાં સમાવિષ્ટ ધારી, આંબરડી, ભાટ, હાલરિયા, પાદરગઢ, પાલડી, બાબાપુર, ગાવડકા, નાના-મોટા ગોરખવાળા, નાના માંડવડા, મેઢી, પીઠવાજળ, તરવડા, વાંકિયા, વિઠ્ઠલપુર, આંબા, બવાડી, બાવાડા, ઈંગોરાળા કણકોટ, કાંકચ, શેઢાવદર, લોકા, લોકી, અંબોલડા, બોરાળા, ઘોબા, ફીફાદ, જૂનાસાવર, ખાબપુરા અને મેખદા તેમજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સરંભડા, નાના ગુંજરડા, મનાજી, રાણીગામ, સતાપરા, ઠાંસા તેમજ પાલિતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળિયા (મનાજી), જીવાપુર, રાણપરડા અને રોહિશાળા ગામનો સમાવેશ થાય છે. આ ગામના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. તેમજ સબંધિત તાલુકાઓના માલમતદાર, ટીડીઓને વોર્નિંગ મેસેજ મોકલી સરપંચો અને તલાટી મંત્રીઓને પણ સતર્ક રહેવા જણાવાયું છે.

Tags :