દેરીરોડ પરના ખોદકામમાં કેબલનો ઘાણ વાળી દેતા યુનિવર્સિટીની વેબસાઈટ ઠપ્પ
ભાવનગર,તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
શહેરના દેરીરોડ જ્વેલ્સ સર્કલ નજીકના રોડને પહોળો કરવા હાથ ધરાયેલ ખોદકામ દરમ્યાન બી.એસએન.એલ.ના કેબલનો ધુડ બોલાવી દેતા યુનિવર્સિટીની સાઈટ અને આઈ.ટી.આઈ. સહિતની કનેકટીવીટી ખોરવાઈ જવા પામી હતી. જો કે આ વેબસાઈટ ઓપન નહીં થતા હોલ ટીકીટ, ડાઉનલોડ થતી બંધ થઈ જતા હાલના પરીક્ષાર્થી આગામી ભરતીના પરીક્ષાર્થી પોતાની હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકતા ન હતા તો આઈ.ટી.આઈ. ખાતે લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પણ બંધ રહેવા પામી હતી.
સરકારી કામમાં એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ સર્જાવી કાયમી બન્યું છે. યુનિવર્સિટીમાં પરીક્ષાઓ શરૂ થઈ ગયેલ છે અને આગામી ભરતી અંગેની હોલ ટીકીટ વેબ પર અપલોડ કરી દેવાઈ છે. ત્યારે પરીક્ષાર્થ ીતેમજ ઉમેદવારોનો ધસારો સ્વાભાવિક વધુ જણાય છે ત્યારે ગત બે દિવસથી કેબલના બ્રેકના કારણે યુનિ. વેબસાઈટ ઠપ્પ થઈ જવા પામી હતી અને આજે પણ સવારથી ઓનલાઈનનું કામકાજ અટકી પડયુ હતું.
યુનિવર્સિટીનું ૮૦ ટકા કામ હાલ ઓનલાઈન થયું છે ત્યારે નેટ કનેક્ટીવીટીનું મહત્વ ઘણુ વધી જાય છે. ત્યારે તેને લગતા કોઈપણ કામમાં ઢીલાશ પોસાય તેમ નથી. રોડ પહોળો કરવાના અપાયેલ કોન્ટ્રાકટરના માણસો દ્વારા દેરી રોડ જોગર્સ પાર્ક પાસે થઈ રહેલા ખોદકામ દરમ્યાન બી.એસ.એન.એલ.ના કેબલોને પણ જેસીબીથી ઉખાડી તોડી નાખવામાં આવ્યા છે. પરંતુ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
રોડ વિભાગની આ બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થી, સરકારી તંત્ર અને કોલેજો, ભવનોના કામો ખોરવાઈ જવા પામ્યા છે. જે છેલ્લા બે દિવસથી આ સમસ્યા આજે વિકટ બની હતી અને આજથી શરૂ થયેલ રીપીટર પરીક્ષાર્થી કે જેઓએ હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીનો ધસારો પરીક્ષા વિભાગમાં જોવા મળ્યો હતો.
જો કે વિભાગ દ્વારા પણ ઓફલાઈન આ કામગીરી કરવા વ્યવસ્થા ગોઠવી આપી હતી જેથી વિદ્યાર્થીનું વર્ષ ન બગડે પરંતુ આવી કાળજી પહેલેથી જ રોડ વિભાગે રાખી હોત તો આટલી હદે હેરાનગતી ટાળી શકાઈ હોત. હાલ આ યુની.ના મુખ્ય ગેટ પાસે તુટેલ કેબલ તાત્કાલીક રીપેર કરવા કવાયત હાથ ધરવી જરૂરી બની છે અન ેજવાબદાર કામદારોને પણ કેબલો ન તુટે તેની કડક સુચના આપવી અને દંડની જોગવાઈ પમ કરી શકાય.